પાયાની કેળવણી/૮. શહેરો માટે પણ એ જ

વિકિસ્રોતમાંથી
← ૭. 'એક અધ્યાપક'ની ગેરસમજ પાયાની કેળવણી
૮. શહેરો માટે પણ એ જ
મોહનદાસ કરમચંદ ગાંધી
૯. રાષ્ટ્રીય શિક્ષકોને →



શહેરો માટે પણ એ જ

[મુંબઈમાં પ્રાથમિક કેળવણી’ એ લેખ]


અત્યારા લગી મેં જે ચર્ચા કરી છે તે ગ્રામ કેળવણી વિષે છે કેમ કે એ જ આખા હિંદુસ્તાનનો પ્રશ્ન છે. જો એનો ઉકેલ શોધી શકાય તો શહેરોને મુશ્કેલી ન આવે, એમ સમજીને મેં તે વિષે કાંઈ નથી લખ્યું. પણ મુંબઈના કેળવણીમાં રસ લેનાર શહેરીનો નીચેનો પ્રશ્ન જવાબ માંગે છે:

“પ્રાથમિક કેળવણીના ભારે ખરચનો તોડ કાઢવામાં મહા પ્રધાનમંડળ રોકાયું લાગે છે. કેળવણીનો ખરચ કેળવણીમાંથી નીકળી શકે એવી સૂચના અપાઈ થઈ છે. મુંબઈ જેવા શહેરોમાં એ દિશામાં કઈ રીતે અને કેટલે અંશે જઈ શકાય એ પ્રશ્નની ચર્ચા આવશ્યક લાગે છે. એમ કહેવાય છે કે, કેળવણી પાછળકના મુંબઈ કોર્પોરેશનનો ખરચાનો અંદાજ આ સાલ માટે પાંત્રીસથી છત્રીસ લાખ રૂપિયા છે અને આખા શહેરમાં કેળવણી ફરજિયાત કરવા જતાં ખરચમાં કેટાલાંય લાખનો વધારો થાય. શિક્ષકોના પગારમાં વીસલાખથી વધારે અને ભાડામાં ચાર લાખથી વધારે રકમ ખરચાય છે. વિદ્યાર્થી દીઠ વાર્ષિક ખરચ સરેસાશ ચાળીસથી બેતાળીસ રૂપિયા આવે છે. આટલી રકમનું કામકાજ વિદ્યાર્થી કેળવણી લેતાં લેતાં આપે તો જ કેળવણીનો ખર્ચ કેળવણીમાંથી નીકળે. આ કેમ બને?”

મારો તો દ્રઢ વિશ્વાસ છે જ કે, જો ઉદ્યોગનું તત્ત્વ મુંબઈની શાળાઓમાં પણ દાખલ થાય તો તેથી મુંબઈનાં બાળકોને અને સાથે મુંબઈ શહેરને લાભ જ થાય. શહેરમાં ઊછરેલાં બાળકો પોપટની પેઠે કવિતાઓ ગોખશે ને સંભળાવશે, નાચી દેશે, બીજા હાવભાવ કરી દેશે, પડઘમ વગાડશે, કૂચ કરી જાણશે, ઇતિહાસ ભૂગોળના જવાબ આપશે, કાંઈ થોડુંઅંકગણિત જાણશે; પણ તેથી આગળ નહીં વધે. હું ભૂલ્યો. થોડું અંગ્રેજી જરૂર જાણતાં હશે. પણ એક ભાંગેલી ખુરસીસમી કરવાની હશે અથવા ફાટેલું કપડું સીવવું હશે, તો તેટલું નહીં કરી શકે. આપણાં શહેરનાં છોકરાં આવી બાબતોમાં જેટલાં અપંગ જોવામાં આવે છે, એટલાં અપંગ છોકરાં મેં દક્ષિણ આફ્રિકાના કે ઇંગ્લંડના ભ્રમણમાં જોયાં નથી.

તેથી હું તો માનું જ છું કે, જો શહેરોમાં પણ કેળવણી ઉદ્યોગની મારફતે જ અપાય તો બાળકોને પારાવાર લાભ થાય, ને પાંત્રીસ લાખ નહીં તો તેનો મોટો ભાગ તો બચે જ. બેતાળીસને બદલે બાળક દીઠ વરસનાં ચાળીસ જ રૂપિયા ખર્ચ ગણીએ, તો ૮૯,૫૦૦ બાળકોને મ્યુનિસિપાલિટી ભણાવે છે એમ કહેવાય. દસ લાખની વસ્તી હોય તો બાળકોની સંખ્યા ઓછામાં ઓછી દોઢ લાખની હોવી જોઈએ. એટલે લગભગ ૬૨,૦૦૦ બાળકો કેળવણી વિનાનાં રહેતાં હોવાં જોઈએ. આ બધાં ગરીબ ન હોય અને તેથી ખાનગી શાળાઓમાં જતાં હોય એમ માનીએ, તોયે ૫૬,૦૦૦ બાળક રહે. તેને સારુ હાલને હિસાબે બાવીસ લાખ ચાળીસ હજાર રૂપિયા જોઇએ. આટલ પૈસા મુંબઈ ક્યારે પેદા કરે અને ક્યારે બધાં બાળકોને ભણાવે ? ને શું ભણાવે ?

હું માનું છું કે, કેળવણી ફરજિયાત અને મફત હોવી જ જોઈએ. પણ બાળકોને ઉપયોગિ ઉદ્યોગ આપી તે મારફતે જ તેમનાં મન ને શરીર કેળવવાં જોઈએ. હું અહીં પણ પૈસાની ગણતરી કરું છું તે અસ્થાને ન સમજવી જોઈએ. અર્થ શાસ્ત્ર નૈતિક અને અનૈતિક હોય છે. નૈતિક અર્થ શાસ્ત્રમાં બંને પાસાં સરખાં જ હોય. અનૈતિકમાં બળિયાના બે ભાગ તો હોય જ. એનું પ્રમાણ તેના બળ ઉપર આધાર રાખે છે. અનૈતિક અર્થશાસ્ત્ર જેમ ઘાતક છે તેમ જ નૈતિક આવશ્યક છે. તે વિના ધર્મની ઓળખ ને તેનું પાલન હું અસંભવિત માનું છું.

મારું નૈતિક શાસ્ત્ર મને એમ સૂચવે છે કે, મુંબઈનાં બાળકો હસતાં રમતામ્ દર માસે ત્રણ રૂપિયાનું કામ આપે. ચાર કલાક કામ કરે તો ને દર કલાકના બે પૈસા ગનીએ તો મહિનાના પચીસ દિવસની નિશાળમાં તે પચાસ આનાનું કામે આપે એટલે રૂ. ૩-૨-૦ થયા.

જ્યારે શિક્ષણ રૂપે ઉદ્યોગ શીખવવામાં આવે ત્યારે એમ માનવાનું કશું કારણ નથી કે, બાળકો કામના બોજામાં કચરાઈ જવાનાં છે. નામના શિક્ષક ઇતિહાસ ભૂગોળ જેવા સહેલા ને રસિક વિષયો શીખવતાંય શિષ્યોને બોજારૂપ લાગે છે. કામનાં શિક્ષક હસતઆં ખેલતાં તેમન શિષ્યોને ઉદ્યોગ શીખવે છે એ મેં નજરે જોયું છે. એવા શિક્ષકો ક્યાંથી કાઢવા એવું તો કોઈ નહીં કહે. અમુક વસ્તુ કરવા યોગ્ય છે તે માન્યા પછીએ કરનારાઓ તૈયાર કરવા એ તો સહેજે માનનાર વ્યક્તિ કે સંસ્થાનો ધર્મ થઈ પડે છે. એવા શિક્ષકોને તૈયાર કરત કંઈક વખત જશે જ. આજનું અયોગ્ય શિક્ષણ ઘડતાં, તેને શિક્ષકો તૈયર કરતાં જેટલો સમય ગયો તેનો સતાંશ પણ આમાં નથી લાગવાનો. ખરચ તો પ્રમાણમાં થોડું જ લાગશે. જો મારા હાથમાં શહેર સુધરાઈ હોય તો હું તો મારી કલ્પનામાં થોડીઘણી પણ શ્રદ્ધા રાખનાર શિક્ષણશાસ્ત્રીઓની નાની સમિતિ નીમી તેઓની પાસેથી એક માસની અંદર યોજના માંગુ ને તેનો અમલ શરૂ કરી દઉં. આમાં એ માન્યતા અવશ્ય આવી જાય છે કે, મને એ કલ્પનાની શક્યતા અચલિત શ્રદ્ધા છે. પારકી શ્રદ્ધાથી આજ લગી કોઈ સારાં ને મહાન કામ નથી થયાં.

પ્રશ્ન એક રહે છે. કયા ઉદ્યોગ શહેરોમાં સગવડ પૂર્વક કરીશકાય ? મારી પાસે તો ઉત્તર તૈયાર જ છે. હુ જે ઈચ્છું છું તે ગામડાંઓનું બળ. આજ ગામડાં શહેરો સારુ નભે છે, તેની ઉપર નિર્ભર છે. આ અનર્થ છે. શહેરો ગામડાં ઉપર નિર્ભર રહે, પોતાના બળનું સિંચન ગામડાં માંથી કરે, એટલે કે ગામડાંઓને વટાવવાને બદલે પોતે ગમડાંને ખાતર વટાવાય તો અર્થ સિદ્ધ થાય ને અર્થ શાસ્ત્ર નૈતિક બને. આવા શુદ્ધ અર્થની સિદ્ધિને સારુ શહેરોનાં બાઅકોના ઇદ્યોગ ગામડાંના ઉદ્યોગો સાથે સીધો સંબંધ હોવો જોઈએ, આમ થવા સારુ મને જ અત્યારે સૂઝે છે એ તો પીંજણથી માંડીને કાંતણ સુધીના ઉદ્યોગો છે. આજે પણ એવું તો કંઈક થાય જ છે. ગામડાં કપાસ પૂરો પાડે છે અને મિલો તેમાંથી કપડાં વણે છે. આમાં આરંભથી અંત લગી અર્થનો નાશ કરવામાં આવે છે. કપાસ જેમ તેમ વવાય છે. જેમ તેમ વિણાય છે, ને જેમતેમ સાફ થાય છે. એ કપાસનેખેદૂત ઘણી વાર ખોટ ખાઈને રાક્ષસી જિનોમાં વેચે છે. ત્યાં તે બીજથી છૂટોપડી કચરાઈ, અધમૂઓ થઈ મિલોમાં ગાંસડીબંધ જાય છે. તે વીંખાય છે, કંતાય છે, વણાય છે. આ બધી ક્રિયાઓ એવી રીતે બને છે કે કપાસના હીરને બાળે છે ને તેને નિર્જીવ કરે છે. મારી ભાષાનો કોઈ દ્વેષ ન કરે. કપાસમાં તો જીવ છે જ. એ જીવના પ્રત્યે તો માણસ કોમળતાથી વર્તે, અથવા તો રાક્ષસની જેમ. અત્યારના વ્ય્વહારને હું રાક્ષસી વ્યવહાર ગણું છું.

કપાસની કેટલીક ક્રિયાઓ ગામોમાં તેમજ શહેરોમાં થઈ શકે. આમ છતાં શહેર-ગ્રામનો સમ્બંધ નૈતિક ને શુદ્ધ થાય . બંનેની વૃદ્ધિ થાય ને સમાજનાં અવ્યવસ્થા, ભય, શંકા, દ્વેષ નિર્મૂળ થાય અથવા મોળાં પડે. ગામડાંઓનો પુનરુદ્ધાર થાય આ કલ્પનાનો અમલ કરતાં જૂજ દ્રવ્યની જરૂર રહે છે. તે સહેજે સાધી શકાય છે. પરદેશી બુદ્ધિ કે પરદેશી યંત્રોની જરૂર નથી રહેતી. દેશની પણ અલૌકિક બુદ્ધિની જરૂર નથી પડતી. એક છેડે ભૂખમરો ને બીજે છેડે જે તવંગરી ચાલી રહ્યાં છે તે મટી બંનેનો મેળ સધાય, ને વિગ્રહ તથા ખુનામરકીનો જે ભય આપણને સદાય થથરાવી રહ્યો છે તે દૂર થાય. પણ બિલાડીને ગળે ટોકરી કોણ બાંધી શકે? મુંબઈની શહેરસુધરાઈનાં હ્રદય મારી કલ્પના ભણી કઈ રીતે વળે ? એનો જવાબ હું સેગાંવમાં બેઠો આપી શકું તેના કરતાં વધારે સારી રીતે તો મજકૂર કાગાળ લખનાર મુંબઈના વિદ્યારસિક નાગરિક જ આપી શકે.

ह० बं० ૨૯-૯-'૩૭