પુરાતન જ્યોત/સંત દેવીદાસ/પ્રકરણ ૧૨

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૧૧ પુરાતન જ્યોત
પ્રકરણ ૧૨
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૮
પ્રકરણ ૧૩ →


[૧૨]

ત્રીજા દિવસની મધરાતના સુમારે અમરબાઈની આંખ મળી ગઈ હતી. તેમાંથી એ ઝબકીને જાગ્યાં. સામેની ગમાણમાં બાંધેલી ધેનુ ભાંભરડા દેતી હતી. આશ્રમની કૂતરી પરસાળમાં આંટા મારતી આકાશ સામે જોઈ રડતી હતી.

અંધારામાં બે માણસો દેખાયા. બેઉના ખભા ઉપર બે મોટી ડાંગમાં લટકાવેલી લાંબી ઝોળી હતી. ઝોળીનું કપડું લોહી લેાહી થયું હતું.

"જય દત્તાત્રેય !” કહીને તેઓએ ઝોળી પરસાળ પર ઉતારી.

"માઈ!” બેમાંથી એક પુરુષે અમરબાઈને કહ્યું : “દેવલાકો સમાલ લો !”

બોલનારનો અવાજ બત્રીસે દાંતના અભાવની સાક્ષી દેતો હતો.

“ઔર માઈ ! અમરબાઈ !” બીજા પુરુષે અવાજ દીધો: “તેરા દેવલાકો ઔર કુછ નહીં કરના ! દત્તાત્રેયકે ધૂણેમેંસે ખાક લાકર દેવલાકા બદન પર માલિસ કરના ઔર પાની પિલાના.”

એ શબ્દધ્વનિ પણ એક બોખા જ મોંમાંથી નીકળતા હતા. બંને સ્વરોમાં જાણે કે યુગાન્તર જેટલી જૂની પિછાનના પડઘા હતા.

અમરબાઈ સમજી ગયાં કે સંત દેવીદાસના શરીરને ઈજા થઈ છે. ને એ આજારી શરીરને કોઈ બે ઓળખીતા બુઢ્ઢાઓ અહીં ઊંચકી લાવેલા છે. એણે પૂછ્યું :

“તમે કોણ છો ? ઊભા રહો. હું દીવો લાવું.”

"અમર ! બેટી !” એક વૃદ્ધે પોતાની આંખ પર છાજલી કરીને યુવાન જોગણ સામે જોયું, “ઊભા હમ નહીં રહેંગે, પિછાનકી કોઈ જરૂરત હી નહીં હૈ.”

"ઔર સબસે બડી પિછાન તો યહ હૈ કિ તૂ ભી વહી મહાપંથ પર ચલનેવાલી હૈ, જિસ પર ગુરુ દત્ત ચલે ગયે, ભક્ત નરસૈંયા ગયે. અબ ઈસમેં જ્યાદા ક્યા પિછાન દે સકતે હમ, બીટિયા?” એ સ્વર બીજા બુઢ્ઢાનો હતો. એમ કહીને બને જણ પાછા વળ્યા. વળતાં વળતાં બેઉએ અમરબાઈને નીચા વળી માન દીધું. અમરબાઈને ફક્ત આટલું જ યાદ રહ્યું. કે બેમાંના એક બુઝુર્ગે હાથ જોડી વંદન કર્યાં હતાં; ને બીજાએ લલાટ પર જમણા હાથની સલામ કરી હતી. એકના દેહ પર કાળી કફની હતી ને બીજાના શરીર પરનો અંચળો અંધારે સફેદ દેખાતો હતો. બેઉની આંખો જંગલના વાઘસાવજની આંખનાં રત્નો-શી ચળકતી હતી બુઝુર્ગો ડગમગુ ચાલે, લાકડીઓના ટેકા દેતા રવાના થયા અને તેઓના ઊંચા ડંડાઓના પછડાટ થોડી વાર પછી રાત્રીના હૃદયમાં સમાઈ ગયા.

અમરબાઈ એ દેવીદાસને ઓરડામાં લીધા. હજુ એનું શરીર અવાચક અવસ્થામાં પડ્યું હતું. આખે શરીરે ડાંગના માર પડ્યા હોય તેવી ફૂટ થઈ હતી. એક હાથનું કાંડું કોઈએ આગમાં શેક્યું લાગ્યું. એ બધી અવસ્થા જોઈ અમરબાઈના મુખેથી ફક્ત એક જ ઉદ્ગાર નીકળતો હતો:

“સત દેવીદાસ !”

એ ઉદ્ગારે અમરબાઈને રોઈ પડતી બચાવી. ધૈર્યના ઝરા એ ઉદ્‌ગારમાંથી ઝરતા થયા. અંધારી રાતે પોતે નજીકમાં જ દત્તાત્રેયનો ધૂણો હતો ત્યાં ભસ્મ લેવા ચાલી.

એ ચાલતી હતી તે વેળા કોઈ એક પક્ષીની કાળી મોટી પાંખો જેવો પડછાયો એની આગળ ને આજુબાજુ પડતો હતો. કોઈક અવાજ થતા હતા. અવાજમાં જાણે કે શબ્દનો આકાર રચાતો હતો : 'અમર ! અમર ! અમર !'

કોણ સાદ કરતું હશે ? જૂની કોઈ ઓળખાણ જાણે ગાજે છે.

ધૂણાને કાંઠે અમરબાઈ ઘડીક થંભ્યાં. કાજળવરણી રાતમાં એનો આહીર-દેહ આભે માંડ્યા થંભ જેવો દીસ્યો.

કોને દીસ્યો ?

‘અમર !' કોણે પાછું નામ લીધું?

'અરેરે જીવ ! આ તો બધાં પુરાતન થાનકો છે. કાળજૂનાં કંઈક માનવીઓ આંહીં ગારદ થયાં હશે, અનેક વાસનાઓ અણતૃપ્ત રહી ગયેલી હશે. કંઈક જોગંદરોનાંય કલેજાં હજુ ઝૂરતાં ને તલસતાં હશે. કોણ જાણે કોણ મને ભૂતકાળની સોડ્યમાં સૂતું સૂતું સાદ કરતું હશે'

એ પાછી ચાલી. ફરી પાછો 'અમર ! અમર !' એવો નાદ ગુંજ્યો. ને એ સ્વરોમાંથી નવા શબ્દો આકાર ધારણ કરતા ગયા.

'ચાલી આવ ! પાછી ચાલી આવ ! પાછી, પાછી, પાછી વળી આવ !'

આ અવાજ પુરાતન ન હોય. આ તો નજીકનો, તાજો, લાગણીભર્યો સાદ છે. અમરબાઈને એ સ્વરોમાં મીઠાશ લાધી, અને અંતરમાં પ્રશ્નાર્થ ચિહ્‌ન ખેંચાયું ? શા માટે આ બધું ? શા માટે સંકટો? આ રોજેરોજ નવનવી ઊઠતી આફતો : આ ભોંમાંથી જાગતાં ભાલાં? હું સેવા કરવા બેઠી. કોઈનું કશું બગાડતી નથી. દુનિયાને કશોય ભાર, કશીય ભીડ નથી કરતી. જગતની એઠ જમીને પેટગુજારો કરી રહી છું. છતાં શા માટે આ પરિહાસ !

'ચાલી આવ !'

મને કોણે બોલાવી ! ક્યાં ચાલી આવું?

થોડાંક - થોડાંક જ વર્ષો જગતને માણ્યું હોત તો કદાચિત્ આજે લાગેલ છે તેટલો થાક ન લાગત. 'આ મારી કાયા –' એણે ચાંદરણાંના તેજમાં પોતાના હાથને કોણી ઉપરવટ ભુજાઓ પર્યંત ખુલ્લા કરીને નિહાળ્યા, 'આ શરીર શેકાઈને શ્યામ પડી ગયું. કેવું ગોરું ગોરું હતું ! આમ કેમ થઈ ગયું ? પહેલા દિવસે આ લીમડાની ઘટામાં શીતળ શીતળ લહેરો આવતી હતી તેથી તો નહોતી લોભાઈ હું?’

અમર પરસાળ પર ચડી ગઈ પ્રશ્નમાળા ખંડિત બની. પોતે એારડે જઈને સંત દેવીદાસના શરીરે ભસ્મ ઘસવા લાગી.

પરોઢિયું હજુ નહોતું થયું. પરોઢ જ્યારે નજીક હોય છે ત્યારે અંધકાર ઘાટો ઘૂંટાય છે. એવી કાળી ઘટામાં દેવીદાસે શુદ્ધિમાં આવી નેત્ર ખેલ્યાં. પહેલો જ પ્રશ્ન એણે એવો કર્યો:

"સંતો ન રોકાણા ?”

"કોણ સંતો ?”

"બે જણા મને મૂકવા આવેલા ને ?”

"હા, એમણે નામઠામ આપવાની ના કહી.”

"તેં ન ઓળખ્યા બેટા ?”

"હું કેમ કરીને ઓળખું ?”

દેવીદાસે મોં મલકાવ્યું :

“અમરબાઈ, એક હતો ઇસ્લામી સાંઈ નૂરશાહ, અને બીજા હતા હિન્દુ જોગી જયરામશાહઃ રામનાથની જગ્યાવાળા.”

"તમને એ ક્યાંથી ઉપાડી લાવ્યા ?”

"ઠેઠ ગિરનારમાંથી. કઈ જગ્યાએ હું પડ્યો હઈશ તેની તો ખબર નથી, કેમ કે મને લઈ જનારાઓએ મારી આંખે પાટા બાંધ્યા હતા.”

"તમને કોણ લઈ ગયેલા ? શા માટે લઈ ગયેલા? ને આ આખે શરીરે કોણે કાળો કોપ કર્યો?”

"દીકરી !” દેવીદાસે અપાર વેદનાઓની વચ્ચે શાંત મલકાટ કરીને જવાબ દીધો : “દુ:ખ દેનારાઓના ચહેરાને ભૂલી જવાય છે. એનાં નામઠામ યાદ રહેતાં નથી. મારી યાદશક્તિ બુઠી બની ગઈ છે. અને વળી બેટા ! મને મરેલ જેવાને ખોળી કાઢી આંહીં સુધી ઉપાડી લાવનારાં એવાં બે મંગળમય નામને યાદ કરું છું, એટલે તો સંતાપનારાઓને આશિષો દેવાનું મન થઈ જાય છે. સત સાંઈ નૂરશાહ ! સત જયરામશાહ !”

"પણ આપણો ગુનો શો છે તે લોકો સંતાપે છે?”

"લોકો જે કરવા તલસે છે, પણ બીકના માર્યા કરી શકતા નથી, તેવું કાંઈ આપણે કરીએ તો એ આપણો ગુને જ લેખાય ને બાઈ ! પારકાની વહુબેટીને અંતરિયાળ રોકી રાખવી એ કાંઈ જેવાતેવા અપવાદ છે, બેન ! દેવતાની આંખમાંય ખૂન આવી જાય, સમજી બચ્ચા ?”

"થોડું સમજી, શાદુળ ખુમાણ પણ મને એ જ માર્મિક બોલ કહી ગયેલા.”

થોડી વાર બેઉ ચૂપ રહ્યાં. અમરની વેદના વધતી હતી, કેમ કે પોતાની સામે એક પ્રચંડકાય સત્પરુષનાં છૂંદાયેલાં હાડમાંસનો માળખો પડ્યો હતો. એની આંખમાં લાલપના દોરિયા ફૂટયાઃ એ બોલી ઊઠી: “ત્યારે તો તમને ઉપાડી જનારા જૂનાગઢના સિપાહી નહોતા, પણ મારા દેહના લોચાના ભૂખ્યા મારા સાસરિયાવાળા હતા એમ?”

“શાંતિ હારે એ જોદ્ધો નહીં, બેટા !” દેવીદાસે ટૂંકું જ વાક્ય કહ્યું પાસું ફેરવતાં ફેરવતાં એના મોંમાંથી અરેરાટી છૂટી ગઈ.

એ અરેરાટી-શબ્દોએ અમરબાઈને ઉશ્કેરી : “હું – હું – હું જાઉં છું. જુનાગઢને સિપાહી-થાણે ખબર કરું છું. એ પાપિયાએના હાથમાં કડીઓ જડાશે.”

"ફોગટ છે બેટા ! એ બધું.”

"કેમ?”

“હું પોતે જ નામકર જાઈશ.”

"મને ખોટી પાડશો ? સંત દેવીદાસ ઊઠીને જૂઠ વચન બોલશે ?” આવરદાભરમાં એકેય વાર જૂઠ નથી બોલ્યો, એટલે આ એક જૂઠની શું પ્રભુ મને ક્ષમા નહીં આપે ?”

અમરબાઈના કંપતા હોઠ ઉપર દડ દડ દડ આંસુઓ દડી ગયાં. “પાપીઓનો આટલો બધો ત્રાસ ! ગુનેગાર હું હતી. મારા કટકા કરવા’તા ને? પણ મારા બાપને, અરે, આટલા નિરાધારોના આધારને શા માટે સંતાપ્યા? એ દુષ્ટોની કોઈ ખબર લેનાર નથી શું ?”

“અમર ! બેટા ! કોઈની ખબર લેવાનો કોઈ કોઈને હક્ક નથી. ખબર લેવી હોત તો હું રબારણ માતાનું દૂધ ધાવ્યો છું ના !” બોલતાં બોલતાં સંતે પોતાના બાહુઓ લાંબા કર્યા.

ખુલ્લો દેહ પહાડ સમ પડ્યો હતો. બાહુઓ લોઢાની અડીઓ જેવા પ્રચંડ હતા. ટટ્ટાર બનેલી ભુજાઓ ઉપર માંસની પેશીઓ મઢેલી દેખાતી હતી. ઘડીભર આ દેહછટા દેખીને અમરબાઈને દિલમાં ઓરતો થયો, કે આવા વજ્ર પંજામાં પકડીને સંતે શા માટે એ શત્રુઓની ગરદનો ચેપી ન નાખી ?

દેવીદાસના હાથ ફરીથી પોચા પડીને નીચે ઢળ્યા.

“અરે ઈશ્વર !” એણે એક નિઃશ્વાસ નાખ્યો: હજી - હજીય કાયાનો મદ બાકી રહી ગયો છે ને શું ! શી પામરતા ! મેં મારા ભુજબળનો દેખાડો કર્યો. ગુરુ દત્ત ! મને, મૂરખા રબારડાને ક્ષમા કરો.”