પુરાતન જ્યોત/સંત દેવીદાસ/પ્રકરણ ૨૦

વિકિસ્રોતમાંથી
← પ્રકરણ ૧૯ પુરાતન જ્યોત
પ્રકરણ ૨૦
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૮
પ્રકરણ ૨૧ →


[૨૦]

તે પછી થોડાં વર્ષે દેવીદાસજીએ સ્વજનોને તેડાવ્યાં. કહ્યું કે, “કંકોતરિયું લખો.”

હાજર હતા તે સમજી ગયા કે એ કંકોતરી લખવાનો ભેદ શો હતો.

"ઊભા રહો, હું અમરબાઈની રજા માગી લઉં.”

એણે અમરબાઈ ને પાસે બોલાવ્યાં. હાથજોડ કરીને કહ્યું: “બાપ, મને રજા છે ?” દેવીદાસજીના વદન ઉપર નવા જન્મનું નોતરું ઝળકતું હતું.

"હું ભેળી આવું તો?" અમરબાઈ હસ્યાં.

“બહુ વેલું કહેવાશે, માતા!”

“લાજઆબરૂભેર વે'લા પહોંચી જાયેં એ જ ઠીક છે.”

"તને કાંઈ ડર રહ્યો છે, મા?”

“ડર તો નથી રહ્યો.”

"ત્યારે ?”

“અંજવાળી તોય રાત છું ને?"

“ભલે ત્યારે, બેયની કંકોતરી ભેગી કઢાવીએ.”

ચોક્કસ મહિનાની મુકરર તિથિએ, ચોક્કસ ચોઘડિયે ને ચોક્કસ ઘડીએ દેવીદાસજી અને અમરબાઈ સમાધ લેવાનાં છે, માટે સહુ સંતો ઉજવણે આવજો, એવી મતલબના શુભ કાગળો 'ગત્ય'માં દશે દિશાએ લખી ખેપિયા રવાના કરવામાં આવ્યા. અને જગ્યામાં જૂના સંતો જસા વોળદાનની બે કબરો હતી તેની બાજુમાં જ બે ખાડા ખોદાયા. એક મહોત્સવ મચી ગયો. એ મહોત્સવ મૃત્યુનો હતો. જીવનનાં કર્તવ્યો ઉકેલી કરી, નવી દુનિયાની કોઈ નિશ્ચિત સફરે ઊપડવાનું હોય, કોઈ મોટી યાત્રાએ, કોઈ પર્યટને પળવાનું હોય, તે જાતનો સમારંભ મચી ગયો. અષાઢી બીજનો ત્યાં મેળો ભરાયો. ને દેવીદાસજીએ તથા અમરબાઈ એ જાતે રાંધણું કર્યું. છ હજાર માણસોને પૂરું પડી શકે તેટલું ઘઉંનું ભરડકું બાનાવ્યું.

ઉગમણી બાજુએ કાઠીઓનો કૂવો હતો. પરબની જગ્યામાં પાણીની તંગી હતી. કાઠીઓ કૂવા ઉપર કોસ ચલાવી લ્યે એટલે મંડાણનો તમામ સરંજામ ઉપાડીને ઘેર લઈ જાય. શાદુળ ભગતે એક આખો બાવળ કાપી નાખ્યો. તેમાંથી મંડાણનો સરંજામ બનાવ્તો. બનાવીને કૂવા ઉપર માંડ્યો. જ્યાં કોસ હાંકવાનો આદર કરે છે ત્યાં વાવડીના કાઠીઓએ આવીને મંડાણ તોડી કઢાવી નાખ્યું. શાદુળ ભગતને અણછાજતાં વેણ પણ કહ્યાં. શાદુળે શાપ આપ્યો કે 'આ કૂવા ઉપર કાઠીઓ પણ આ મંડાણની પેઠે જ ચૂંથાશે.'

શાપની કથા સાંભળીને સંત દેવીદાસજી બહુ દુભાયા. અને જગ્યાના એ જેવાતેવા કુવા ઉપર દિવસ અને રાત પાણી ઉલેચી ઉલેચીને સંતે, અમરબાઈએ તથા શાદુળે અવેડો ભર્યો. હજારો માણસો લાપસીનું ભરડકું ખોઈ વાળીને ખાતા જાય ને અવેડામાંથી ખોબા ભરી પાણી પીએ એવી ગોઠવણ હતી. ત્યાં ન્યાતજાતના ભેદો નહોતા, વર્ણ વર્ણની આભડછેટ નહોતી, હિન્દુ-મુસલમાનોના ભેદ નહોતા.

સમાત લેવાનું ટાણું આવી પહોંચ્યું. ભરવસ્તીમાં એક જ પ્રાણી રોતું હતું. શાદુળ રોતો હતો. શાદુળ, શા માટે રોવાછ બાપ? શાદુળ કેમ કરીને સમજાવે ! —

રોઈ રોઈ કેને સંભળાવું રે
જેસલજી કે' છે.
ઊંડાં દુ:ખ કેને સંભળાવું રે
જાડેજો કે' છે.
રુદિયો રુવે રે
મારો ભીતર જલે.

એનું ભીતર જલતું હતું. ન સમજાવી શકાય તેવી કોઈ મર્મવ્યથા એને વીંધતી હતી. એને આશંકા પડી ગઈ હતી કે અમરબાઈના અંતરમાં એક દહેશત હતી તેથી જ એ દેવીદાસજીની જોડે સમાય છે.

"શાદુળ ! વીરા !” અમરબાઈ એ આવીને પંપાળ્યો : “તમને એકલા મૂકવા પડે છે. એકલવાયા તોય તમે સમરથ છો. ભગત, આપણે તો ત્યાં પાછા ભેળા થવાનું છે ને !”

એ વખતે ભજનના સૂર ઊડતા હતા કે —

મળજો આલેકને દરબાર
મળજો જતિસતી હો જી !

"જુઓ ભગત, સંતોના સૂર સાખ પૂરે છે, અમે ત્યાં તમારી વાટ જોશું. પણ ઉતાવળ કરીને આવશો મા. સંસારની તમામ વળગણ છૂટી જાય તો પછી તો તમારે ને અમારે ક્યાં છેટું છે? બારણું ખોલશો એટલે બીજા ઓરડામાં અમે બેઠાં જ હશું, ભગત !”

સહુ સંતોને રામરામ કરીને પછી દેવીદાસજી અને અમરબાઈ પરસ્પર સન્મુખ થયાં.

અમરે કહ્યું : સત દેવીદાસ !

દેવીદાસે કહ્યુંઃ અમર દેવીદાસ !

બન્નેએ દશે પ્રાણદ્વાર બંધ કરી લીધાં. થોડી વારે બંને શરીરમાંથી આત્મા છૂટી ગયો. બેઉને સમાધ આપવાની તૈયારી છે તે જ ક્ષણે બે ડોસા હાજર થયા. દાંત વગરના ને જરાગ્રસ્ત એ બુઢ્ઢા બીજા કોઈ નહીં પણ ગિરનારવાસી જોગી નૂરશા અને જેરામશા હતા.

બેઉએ નિષ્પ્રાણ સંતોનાં કલેવરોને સમાધના ખાડામાં ઓતર-દખણાદાં પધરાવ્યાં ને પછી ઉપર ધૂળ વાળી દીધી.

બેઉ સમાધિસ્થાનો પર હિંદુ-રીતિ મુજબની સમાધ કે દેરી નહીં પણ આરામગાહ બાંધવામાં આવી, ઉપર સોડ ઢંકાવી શરૂ થઈ.