પૃષ્ઠ:ક્ષિતિજ-રમણલાલ વ દેસાઈ Book.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬ : ક્ષિતિજ
 


‘કોણ... વગાડે છે ?' ‘અમારો ગાયકવર્ગ. વારાફરતી નક્કી થયા પ્રમાણે વગાડે.’ ‘ઓહ !... નહિ રહેવાય !... અદ્ભુત... અદ્... મીઠી શૂન્યતામાં... હું સૂઈ જ જાઉં છું.' નાગલોકના સંગીતની અસર મધુર વિષ સરખી હતી. સંગીત આવી શારીરિક અસર ઉપજાવે - આટલી પ્રબળ અસર ઉપજાવે એ ક્ષમાએ આજે જ અનુભવ્યું. આખી પ્રજાને નિદ્રા પ્રેરવા માટેનો આવો રાજપ્રયોગ ક્ષમાએ જોયો કે સાંભળ્યો ન હતો. જે પ્રજાના સંગીતમાં આટલી મીઠાશ હોય, જે પ્રજાનું સંગીત આખા નગરને વીંટી વળે એટલું વ્યાપક હોય, જે પ્રજાનું સંગીત આખી વસતીને નિદ્રા પ્રેરે એવું હોય એ પ્રજાને અસંસ્કારી કેમ કહેવાય ? ક્ષમા જ્યાં ઊભી હતી. ત્યાં જ આ ઝાંખા વિચારો કરતી સૂર ઝીલતી નીચે સૂતી. તે પથારીથી દૂર હતી. સૂતાં બરોબર સંગીતની અસરને હલાવનારા ટકોરા તેને કાને પડ્યા. છેવટનો મહાપ્રબળ પ્રયત્ન કરી તેણે આંખો ઉઘાડી. સૈનિકા ટકોરા સાંભળી દરવાજા પાસે દોડી ગઈ. ટકોરા ચાલુ જ હતા. બારણું બહારથી બંધ હતું તેમ અંદરથી પણ બંધ હતું. શું ઉત્તુંગ સભામાંથી પાછો આવ્યો હશે ? ટકોરા ઉત્તુંગના હાથના લાગતા ન હતા. ‘કોણ છે ?’ ‘વાર ન કર. ખોલ.’ ‘કોણ છો તે તો કહો ?' સૂતેલી ક્ષમા એકાએક બેઠી થઈ ગઈ. સંગીતની મૂર્છામાંથી તે ઝબકારા સાથે જાગી ગઈ. કોઈ નવી તક મળતી હોય તો તેનો લાભ લેવા તે ઝડપથી વિચાર કરી રહી. પાસેની બારીમાંથી ન ઊતરી જવાય ? સેવિકા ઓરડાના મોટા બારણા પાસે ગઈ હતી. ઉઘાડ પછી કહ્યું. મને ઓળખતી નથી ?’ ઉત્તુંગને મળતો અવાજ આવ્યો. છતાં સેવિકાએ દ્વાર ઉઘાડવાની ઉતાવળ ન કરી. ‘નામ કહો.’ ‘ઉત્તુંગ ! હજી ન સમજી ? જલદી કર... જલદી કર... મારે પાછું જવું છે...’ નામ ઉત્તુંગનું હતું. કંઠ પણ ઉત્તુંગનો જ લાગ્યો. છતાં સેવિકા કેમ વાર કરતી હતી ? એને ઉત્તુંગની ખાતરી ન હતી શું ?’ ‘ખોલ.' બહારથી ક્રોધભર્યા ઉત્તુંગનો દબાયેલો અવાજ આવ્યો.