પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪
ગાંધીજીનો અક્ષરદેહ.

૨૪ ગાંધીજીનો અક્ષરદેહ ઊજળી દેખાય એ સ્વાભાવિક છે. કાયદાથી લાદવામાં આવેલી ગેરલાયકાતો નાતાલ સરકારના કૃત્યને વખોડનારી છે. અને એજન્ટ જનરલ પોતે થઈને પોતાને વખોડી કાઢે એવી આશા કેવી રીતે રાખી શકાય? મિ. પીસ, અગર જેના તેઓ પ્રતિનિધિ છે તે સરકાર, જો એટલું કબૂલ કરી લેત કે ઉપર કહેલાં કાયદેસર નિયંત્રણો બ્રિટિશ રાજ્યબંધારણના પાયાના સિદ્ધાંતોની વિરુદ્ધ છે તો અત્યારે મારે આપની સમક્ષ આવવાની જરૂર ન પડત. હું અદબ સાથે કહું છું કે એજન્ટ જનરલે જે અભિપ્રાયો વ્યક્ત કર્યા છે તેને કોઈ આરોપીનાં તેના પોતાના ગુનાને લગતાં કથનોને આપવામાં આવે તે કરતાં વધારે મહત્ત્વ ન આપવું જોઈએ. ગિરમીટિયા મજૂરો સામાન્ય રીતે પાછા ફરવાના ભાડાનો લાભ લેતા નથી એ હકીકતનો અમે વિરોધ નથી કરતા પણ અમારી ફરિયાદોનો એ હકીકત ઉત્તમ જવાબ છે એ વાતનો તો અમે જરૂર વિરોધ કરીએ છીએ. એ હકીકતથી નિયંત્રણો નથી એવું કેવી રીતે પુરવાર થાય? એથી તો એટલું જ સાબિત થાય કે જે હિંદીઓ પાછા ફરવાના ભાડાનો લાભ લેતા નથી તેમને નિયંત્રણોની દરકાર નથી, અથવા એવાં નિયંત્રણો હોવા છતાં તેઓ સંસ્થાનમાં રહે છે. જો પહેલી વાત ખરી હોય તો વધારે સમજુ લોકોની ફરજ છે કે હિંદીઓને તેમની સ્થિતિનું ભાન કરાવે અને તેમને સમજાવે કે એ સ્થિતિને તાબે થવાનો અર્થ અધ:પતન છે. જો બીજી વાત ખરી હોય તો, ટ્રાન્સવાલ લવાદીના સંબંધમાં મિ. ચેમ્બરલેને પોતાના ખરીતામાં હિંદી કોમની જે ધીરજ અને ક્ષમાવૃત્તિનો સ્વીકાર કર્યો હતો તેનું આ એક વધુ દૃષ્ટાંત છે. હિંદીઓ એ નિયંત્રણો સહન કરી લે છે તે કાંઈ નિયંત્રણો દૂર ન કરવાનું અથવા એ નિયંત્રણોને શકય તેટલી સારી વર્તણૂક ગણાવવાનું કારણ નથી. વળી, આ લોકો જેઓ હિંદ પાછા ફરવાને બદલે સંસ્થાનમાં ઠરીઠામ થાય છે તે કોણ છે? તેઓ હિંદના ગરીબમાં ગરીબ વર્ગોના ને ગીચમાં ગીચ વસ્તીવાળા જિલ્લાઓના તેમ જ ઘણું કરીને હિંદમાં અર્ધા ભૂખ્યા રહી જીવન ગાળનાર લોકો છે. બને તો નાતાલમાં વસવાના ઇરાદાથી, જો કંઈ કુટુંબકબીલો હોય તો તે લઈને, તેઓ નાતાલ ગયેલા. ત્યારે એવા લોકો અર્ધ-ભૂખમરાની સ્થિતિનો સામનો કરવા પાછા ફરવા કરતાં ગિરમીટની મુદત પૂરી થયે, મિ. સૉન્ડર્સ કહે છે તેમ, જે દેશમાં હવાપાણી ખૂબ સરસ છે અને જ્યાં સારો રોટલો રળવાનું બને એમ છે ત્યાં વસવાનું પસંદ કરે એમાં શી નવાઈ? ભૂખે મરતો માણસ, સામાન્ય રીતે, રોટલાના એક ટુકડા માટે પણ ગમે તેટલી ખરાબ વર્તણૂક સહન કરી લે છે. ટ્રાન્સવાલમાં વિદેશી ગોરા લોકો (ઑઇટલૉન્ડર)ની કેટલી બધી ફરિયાદો છે? પોતાની સાથે રખાતા ખરાબ વર્તન છતાં તેઓ હજારોની સંખ્યામાં ત્યાં આવતા નથી? આવે છે, કેમ કે તેમના વતન કરતાં ટ્રાન્સવાલમાં તેઓ વધારે સહેલાઈથી રોટલો રળી શકે છે. વળી એ પણ યાદ રાખવું જોઈએ કે, મિ. પીસે નિવેદન કરતી વખતે, જે સ્વતંત્ર હિંદી વેપારીઓ સ્વતંત્ર રીતે સંસ્થાનમાં આવે છે અને જેમને પેલાં અપમાનો અને નિયંત્રણો સૌથી વધુ સાલે છે તેમનો વિચાર કર્યો નથી. ગેરવર્તાવ સહન ન થ હોય તો ટ્રાન્સવાલ ન આવશો, એમ ઑઇટલૅન્ડરને ન કહી શકાતું હોય તો પછી સાહસિક હિંદીને તો ન જ કહી શકાય. અમે પણ સામ્રાજ્ય કુટુંબના છીએ અને એ જ મહિમાવાન માતાનાં બાળકો, કદાચ દત્તક બાળકો છીએ. અને જે હક અને અધિકાર યુરોપીય બાળકોને છે તે જ હક અને અધિકારની અમને ખાતરી આપવામાં આવી છે. એ માન્યતાથી અમે નાતાલ સંસ્થાનમાં ગયેલા, અને અમને વિશ્વાસ છે કે અમારી માન્યતા સાચી છે.