પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦
ગાંધીજીનો અક્ષરદેહ.

૩૦ ગાંધીજીનો અક્ષરદેહ કે જામીનગીરી વિના ધિરાણ કરવા બેંકે ના પાડી. હિંદી મિત્રે જાતમુચરકો જ આપ્યો ને બેંક તે સ્વીકાર્યો. જોકે તે વખતે પણ તેનું તે બેંકનું ભારે દેવું હતું. પરિણામ એ આવ્યું છે કે યુરોપિયન મિત્ર બૅકને ૩૦૦ પાઉંડ ભરી શકો નથી, ને હાલપૂરતી તો હિંદી મિત્રે તેટલી રકમ ગુમાવી છે. અલબત્ત પેલો યુરોપિયન તો ટાપટીપથી રહે છે ને ભોજન વખતે તેને દારૂ જોઈએ છે, અને આપણો હિંદી મિત્ર તો માત્ર પાણી પીએ છે. અમે કંજૂસ છીએ અને ચારિત્ર્યહીન છીએ; એટલે કે અમારી પર આરોપ મૂકનારના કરતાં વધારે ચારિત્ર્યહીન છીએ એ આરોપનો અમે સદંતર ઇન્કાર કરીએ છીએ. સાચું કારણ પહેલું તો વ્યાપારી ઈર્ષા, અને બીજું હિંદ અને હિંદીઓ વિષેનું અજ્ઞાન છે. હિંદીઓ સામે પહેલાં વેપારીઓએ બુમરાણ શરૂ કર્યું; પછી સામાન્ય જનતાએ એ ઉપાડી લીધું ને અંતે એ પૂર્વગ્રહ ઊંચનીચ સૌમાં વ્યાપી ગયો. દક્ષિણ આફ્રિકાના હિંદીઓને લગતા કાયદાઓમાં એ સ્પષ્ટ જોઈ શકાય છે. ઑરેન્જ ફી સ્ટેટવાળાઓએ તો ખુલ્લું કહ્યું છે કે, અમે એશિયાવાસીને ધિક્કારીએ છીએ, કારણ કે તેઓ સફળ વેપારીઓ છે. આ બાબતમાં પ્રથમ હિલચાલ જુદાં જુદાં રાજ્યોનાં વેપારી મંડળોએ કરી હતી. એમણે જ એવાં નિવેદન કરેલાં કે હિંદીઓ ખ્રિસ્તીઓને સ્વાભાવિક શિકાર માને છે, પોતાની સ્ત્રીઓને આત્મા નથી એમ માને છે, તથા રક્તપિત્ત, ચાંદી વગેરે બીજા રોગોનો ચેપ ફેલાવનારા છે. હવે વાત એટલી હદે પહોંચી છે કે જેમ પહેલાં પ્રામાણિક ખ્રિસ્તીઓને ગુલામીની પ્રથામાં કશું ખોટું કે અખ્રિસ્તી લાગતું નહીં, તેમ ભલા ખ્રિસ્તી સજ્જનને એશિયાવાસીઓને થતી કનડગતમાં સ્વાભાવિક રીતે કશું ગેરવાજબી લાગતું નથી. નાતાલ ધારાસભાના એક સદસ્ય મિ. હેન્રી બેઈલ નમૂનેદાર અંગ્રેજ સજ્જન છે, ને ‘સાચા બેઈલ’નું બિરુદ પામ્યા છે, કેમ કે તેઓ પોતાનો ધર્મ બદલીને ખ્રિસ્તી થયેલા છે, ધાર્મિક ચળવળોમાં આગળપડતો ભાગ લે છે અને ધારાસભામાં ઊભા થઈ વારંવાર અંતરાત્માના અવાજની વાર્તા કરે છે. તેમ છતાં આ ગૃહસ્થ હિંદીઓના સૌથી ઉગ્ર અને કટ્ટર વિરોધીઓ પૈકી એક છે. તેઓ પ્રમાણપત્ર આપે છે કે જે લોકો વસાહતના આધારરૂપ નીવડેલા તેમના પર માથાદીઠ વાર્ષિક ત્રણ પાઉંડનો વેરો નાખવો અને તેમને સ્વદેશ જવાની ફરજ પાડવી એ ન્યાયનું અને દયાનું કામ છે. દક્ષિણ આફ્રિકામાં અમારી રીતે આ ધિક્કારની લાગણીને પ્રેમથી જીતવાની છે. કમમાં કમ, અમારું ધ્યેય તો એ છે જ. એ આદર્શમાં અમે ઘણી વાર ઊણા ઊતરીએ છીએ, છતાં અમે એ ભાવનાથી વર્ત્યા છીએ તે બતાવવા સંખ્યાબંધ દાખલા ટાંકી શકીએ. અમે કોઈ વ્યક્તિ- ઓને શિક્ષા કરાવવાનો પ્રયત્ન કરતા નથી. સામાન્ય રીતે તેમને હાથે થતો અન્યાય અમે ધીરજથી સહન કરી લઈએ છીએ. સામાન્ય રીતે, અમારી અરજ ભૂતકાળમાં થયેલી ઈજાઓ માટે નુક સાની મેળવવા માટે નથી હોતી, પણ એ ઈજાઓનું પુનરાવર્તન ન થવા પામે અને એનાં મૂળ કારણ દૂર કરવામાં આવે તેને માટે હોય છે. હિંદની જાહેર જનતા સમક્ષ અમારાં કષ્ટોનું નિવેદન પણ અમે એવી જ ભાવનાથી કર્યું છે. અમે વ્યક્તિગત ઈજાનાં દૃષ્ટાંત ટાંકયાં છે તેમાં અમારો હેતુ નુકસાની મેળવવાનો નહીં, પણ અમારી પરિસ્થિતિનો હિંદની જનતા આગળ તાદૃશ ચિતાર રજૂ કરવાનો જ છે. ત્યાં અમારા પ્રત્યે જે વર્તન થાય છે તેને માટે અમારે પક્ષે જે કોઈ કારણો હોય તે દૂર કરવા અમારો ચાલુ પ્રયત્ન છે. પરંતુ હિંદના જાહેર કાર્યકર્તાઓની સહાનુભૂતિ તથા ટેકા વિના, અને ઇંગ્લંડ તથા હિંદની સરકારો તરફથી જોરદાર રજૂઆત થયા વિના અમારા પ્રયત્નો સફળ ન થઈ શકે. હિંદ વિષે દક્ષિણ આફ્રિકામાં એવું ભારે અજ્ઞાન પ્રવર્તે છે કે જો અમે