પૃષ્ઠ:ગાંધીજી અક્ષરદેહ CWMG vol. 2.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨
ગાંધીજીનો અક્ષરદેહ.

૭૨ ગાંધીજીનો અક્ષરદેહ ધોરણે લગભગ અર્ધા વરસની આવક બરાબર છે. સન ૧૮૯૩માં નાતાલ સરકારે બે સભ્યોનું એક કમિશન હિંદ મોકલ્યું હતું. તેનું કામ ઉપર જણાવેલા ફેરફારો પૈકી માથાવેરા સિવાયના બીજા ફેરફારોનો સ્વીકાર કરવા હિંદ સરકારને સમજાવવાનું હતું. હાલના વાઈસરૉયે અનિચ્છા વ્યક્ત કરતાં ઇંગ્લંડની સરકારની મંજૂરીની અપેક્ષાએ સંમતિ આપી, પરંતુ તેમણે ફરજિયાત પાછા ફરવાની કલમના ભંગને ફોજદારી ગુનો ગણવા બાબતમાં નાતાલ સરકારને મંજૂરી ન આપી. નાતાલ સરકારે માથાવેરો લાદવાની કલમ દાખલ કરીને એ મુશ્કેલીમાંથી રસ્તો કાઢો. આ કલમની ચર્ચા કરતાં ઍટર્ની જનરલે કહેલું કે હિંદ પાછા ફરવાની ના પાડવા માટે કે વેરો ભરવાની ના પાડવા માટે હિંદીને જેલમાં તો નહીં મોકલી શકાય; પણ એની ઝૂંપડીમાં લેવા જેવી કોઈ ચીજ હશે તો તે જપ્ત કરી શકાશે. નાતાલ પાર્લામેન્ટમાં અમે એ બિલનો સખત વિરોધ કર્યો, અને ત્યાં નિષ્ફળ નીવડતાં મિ. ચેમ્બરલેનને અરજપત્ર મોકલી વિનંતી કરી કે કાં તો એ બિલ નામંજૂર કરવું જોઈએ અગર તો હિંદમાંથી મજૂરોને નાતાલ મોકલવાનું બંધ કરવું જોઈએ. દસ વરસ પહેલાં આ દરખાસ્ત ચર્ચાઈ હતી, ત્યારે નાતાલના સૌથી પ્રતિષ્ઠિત ગણાતા સાંસ્થાનિકોએ જોરશોરથી વિરોધ કર્યો હતો. પછી નાતાલમાં હિંદીઓને લગતી વિવિધ બાબતો સંબંધે તપાસ ચલાવવા કિંમશન નીમવામાં આવ્યું. કમિશનના સભ્ય મિ. સૉન્ડર્સ પોતાની વધારાની નોંધમાં જણાવે છે : જો હિંદીઓ પોતાનો ગિરમીટ-કરાર નોકરીની મુદત પૂરી થતાં ફરીથી તાજે ન કરે તો તેમને સ્વદેશ પાછા ફરવાની ફરજ પાડવાનો કાયદો ઘડવા વિષે કમિશને કોઈ ભલામણ કરી નથી; છતાં પણ આવા કોઈ ખ્યાલ સામે મારી સખત નાપસંદગી હું જાહેર કરવા ઇચ્છું છું. એ યોજનાની તરફદારી કરનાર પૈકી ઘણા જ્યારે સમજશે કે એનો શો અર્થ થાય છે ત્યારે તેઓ મારી માફક જ તેને જોરથી તુચ્છકારી કાઢશે. હિંદી- ઓને આવતા રોકો અને તેનાં ફળ ભોગવો, પણ જે ભારે અન્યાય છે એમ હું પુરવાર કરી શકું છું, તે કરવાનો પ્રયત્ન ન કરશો. એમ કરવું એ આપણા (સારા તેમ જ નરસા) નોકરોનું હીર ચૂસી લીધા પછી અને તેમની જિંદગીના સારામાં સારા દિવસો આપણને લાભ પહોંચાડવામાં પસાર થઈ ગયા પછી તેમને (જો આપણાથી બની શકે તો, પણ બની શકશે નહીં) પોતાને દેશ પાછા જવાની ફરજ પાડવી અને એ રીતે તેમને પોતે કરેલી મહેનતનાં ફળ ન ભોગવવા દેવાં, એ સિવાય બીજું શું છે? અને તેમને કયાં મોકલશો? એ જ ભૂખમરાની સ્થિતિમાં, જેમાંથી પોતાના જુવાનીના દિવસોમાં ભાગીને તેઓ અહીં આવ્યા હતા. શાઇલૉકની પેઠે આપણે શેર માંસ લેવા માગતા હોઈએ તો ખાતરી રાખજો કે આપણને શાઇલૉક જેવો જ બદલો મળશે. સંસ્થાન હિંદીઓને આવતા અટકાવી શકે છે, અને કોઈ ‘લોકપ્રિયતાવાંછુ’ઓ ઇચ્છે તેથી કદાચ વધારે સહેલાઈથી અને હંમેશને માટે અટકાવી શકે છે. પણ નોકરીને અંતે તેમને બળજબરીથી હડસેલી કાઢવાનું સંસ્થાનથી થઈ શકે નહીં. અને હું તેને વિનંતી કરું છું કે એમ કરવાનો પ્રયત્ન કરીને એક રૂડા નામને બટ્ટો ન લગાડે. પ્રસ્તુત બિલ ધારાસભામાં લાવનાર ઍટર્ની જનરલે એ કિંમશન સમક્ષ જુબાની આપતાં નીચેના વિચારો દર્શાવ્યા હતા :