પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કાત્યાળ' યાદ આવે છે? એ જ ભાગમાં મૈત્રીની વિલક્ષણ ખાનદાની દાખવનાર વીર માત્રા વરૂ અને જાલમસંગની ઘટના1 સાંભરે છે? જરૂર ફરી વાંચી જજો. એ વરૂ ને કાત્યાળ કાઠીઓ નહીં. બાબરિયા હતા. પણ આજ તો ′સૌરાષ્ટ્ર'2 સાપ્તાહિકને પાને જેઓનાં. દુષ્કૃત્યોની સાચેસાચી વાતો વારંવાર ડોકિયાં કરે છે, એ ડેડાણવાળા કોટીલાઓના એક પૂર્વજની યશકથા હું લખવા માગું છું. સુમેસર કોટીલાએ પાંચસો વર્ષ પૂર્વે પોતાની પાણી ! પાણી!” પુકારતી રૈયતને કારણે મધરાતે દેવી ખોડિયારના ઘોર મંદિરમાં પેટે કટાર ખાવાની. તૈયારી કરી, દેવીનો ચૂડલિયાળો હાથ બહાર નીકળ્યો, સુમેસરની કટાર ઝાલી રાખી, અને એ પરમાર્થી ભક્તના ઘોડાના ડાબલા પડયા તેટલા વા′માં એક રમ્ય, અતિ રમ્ય, અપ્સરા જેવી નાની-શી નદી રેલાવી; એ નાવલી નદીને કાંઠે, કંડલા ગામના ટીંબા પર, સુમેસરથી સાતમી પેઢીએ સમર્થ દેવો કોટીલો પાક્યો :

દીકરીયું દૈવાણ, માગવા મોળીયું,

(તેને) તરવાર્યું તરભાણ, તેં દીનૈયું દેવલા.

[હે દેવલા! તારી દીકરીઓની માગણી કરનાર તરકોને તેં શું દીધું? તરવારો દીધી!]

ખૂબી તો એ છે કે એ દીકરીઓ એની પોતાની પણ નહોતી: પારકીઓને પોતાની કરી પાળી હતી : કથા આમ કહેવાય છે : પાલિતાણાના હમીર ગોહિલની બે દીકરીઓ : બંને પદમણી : કોઈ દુષ્ટ ચારણે જઈ એ દીકરીઓનાં રૂપ વિશે જૂનાગઢના નવાબના કાન ભંભેર્યા : કહે છે કે ચારણ પાલિતાણે જઈ હજામ થઈને રહ્યો: કુંવરીઓના નખ ઉતારીને ચાલ્યો ગયો. નવાબની સમક્ષ એ નખ સૂર્યના તાપમાં મૂક્યા : તૂર્ત જ નખ ઓગળી ગયા : નવાબ માન્યો કે પદમણી સાચી : ગોહિલ રાજ પર દબાણ ચાલ્યું કે દીકરીઓ પાદશાહ જોડે પરણાવો : ગોહિલપતિની પુત્રીઓની વેલડી રાજે રાજમાં ફરવા લાગી : કોઈ રાખો! કોઈ રાખો! પણ પાદશાહી શિકારને કોણ સંઘરે? વેલ કુંડલે આવી : ચોરે બોંતેર શાખના બાબરિયો હેકડાઠઠ બેઠા છે પૂછ્યું કે “કોનું વેલડું?' જવાબ મળ્યો કે મોતનું વેલડુ! દહીવાણ દેવો કોટીલો ગાજ્યો : અમે એ વેલડું છોડાવશું; બે ય કુંવરી અમારી પેટની દીકરીયું થઈ રહેશે; ભલે આવે નવાબની ફોજું : મરી મટશું!

નવાબનાં નિશાન ફરુક્યાં પણ કુંડલામાં કોઈ વંકો ડુંગર ન મળે! દેવો કહે, ઓથ ક્યાં લેશું? રાતે આઈ ચામુંડા દેવી સ્વપ્ને આવી કે “બીજે ક્યાંય નહીં, અહીં ‘ભરોસે ડુંગરે જ રહેજો, બાપ! આકડા એટલા અસવાર થાશે, ને ગેબનાં નગારાં ગગડશે!” યુદ્ધ ચાલ્યું. બોંતેરમાંથી સાત શાખાઓ તો સમૂળી જ ખપી ગઈ. બીજી શાખાઓના થોડા થોડા છોકરા રહ્યા. કોઈ તરવાર ઝાલનારા ન રહ્યા. પણ આશરે આવેલી દીકરીઓ બચાવી. અને દેવા દહીવાણની વીરગાથા રચાણી કે

____________________________________

1 ‘ભાઈબંધી' વાર્તા ("સૌરાષ્ટ્રની રસધાર')

2 “સૌરાષ્ટ્ર' સાપ્તાહિક

સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં
17