પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

5


માંગડો ડુંગર

નાંદીવેલાની લાંબી લાંબી પહાડ-સેનાને જોતાં જાણે કે આંખો ધરાતી જ નથી. નવા નવા આકારો ધરી ડુંગરમાળા નજરબંદી કરી રહી છે. ઘડી વાર એ સૈન્ય લાગે છે, તો ઘડી પછી જોગીઓની જમાત બની જાય છે: કોઈ જટાધારી તો કોઈ મુંડિયા; કોઈ લીલી કફનીવાળા ફકીરો તો કોઈ દિગમ્બર સાધુઓ: એવી માનસિક રમતો રમતાં એ ગિરિમંડળનો છેલ્લો ડુંગર 'માંગડો' આવી પહોંચ્યો. એની ઊંચી ટોચે રાજપૂત પ્રેમિક માંગડા વાળાની અને એની સહચરી વણિક-કન્યા પદ્માવતીની ખાંભીઓ ઊભી છે. યાદ આવે છે? 'ભૂત રૂવે ભેંકાર'ની પ્રેમકથા1[૧] માંહેલો માંગડો યાદ આવે છે?

ઘોડો ઘોડાને ઘાટ અસવારે ઉણો 'નહીં,
(જેનું) ભાલું ભરે આકાશ, મીટે ભાળ્યો માંગડો.

એવો એ વીર રાજપૂત, ઘુમલી નગરમાં મામાને ઘેર મહેમાન થઈ રહેલો : આહરા બાયલ નામના કાઠીએ ઘૂમલીનાં ગૌધન વાળ્યાં : માંગડો સહુની મોખરે જઈ બાણ વડલા નીચે એ ગાયના ચોરને ભેટ્યો : આશાભર્યો અંતરિયાળ મુવો : અસદ્ગતિ પામીને પ્રેતના અવતારમાં ગયો : પાછળ ઝૂરતી વ્રતધારિણી પદ્માવતીએ પોતાનું નવું લગ્ન નાકબૂલ કરીને અટવીમાં એ ભૂત પતિ સાથે –

વડલા, તારી વરાળ, પાને પાને પરઝળી,
(હું) ક્યાં ઝપાવું ઝાળ, (મને) ભડકો વા'લા ભૂતના.

- એવા સળગતા પ્રેત-પ્રદેશમાં કારમો સંસાર માંડ્યો. અને

સૌ રોતો સંસાર (એને) પાંપણીએ પાણી પડે,
(પણ) ભૂત રૂવે ભેંકાર, (એને) લોચનિયે લોહી ઝરે.

એવી રુધિરની અશ્રુધારા એણે એ પ્રેતદેહી પતિના ગાલથી લૂછયા કરી.

પરંતુ એની ખાંભીઓ આ ડુંગરા પર શા માટે? એટલા માટે કે અહીં એણે રહેઠાણ રાખેલું હતું. પોતાના ગામ ધાંતરવડ ઉપર એની મમતા રહી ગયેલી, તેથી આંહીં ડુંગરાની ટોચેથી રોજ રાત પડતાં એને પાંચ ગાઉના પલ્લા ઉપર ધાંતરવડ ગામના ઝબૂકતા દીવા દેખાતા અને એ દેખીને માંગડાને સુખ ઊપજતું. એ વિકરાળ નિર્જનતામાં જાનની વેલડી


  1. 1 'સૌરાષ્ટ્રની રસધાર'
સૌરાષ્ટ્રના ખંડેરોમાં
37