પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ફરી છલંગ મારી. તે વખતે કાંગલી ભેંસે પણ ત્રણ ડગલાં પાછી હટીને સામે ત્રાડ દીધી : સામે વાણ્ય નાખીને પગ ઉઠાવ્યા.]

પૃથીકા ધમાકા લાગા કાંગલે ઉઠાયા પાગા
લાગા ગાગા ફાગા સિંહ શુધ ના લગાર
દોય પ્રલેકાળ આગા કાંગલીરા રૂપ ધાગા
ધૂરસે વોમમેં લાગા મહા ધુવાંધાર.

[કાંગલીએ પગ ઉઠાવ્યો. ત્યાં તો ધરતી પર ધણેણાટી બોલી. સિંહે પણ કશી શુદ્ધિ વિના સામે ડગલું લગાવ્યું. કાંગલી ભેંસનું રૂ૫ તો પ્રલયકારી બન્યું. અને ધૂળ ઊડવાથી આકાશમાં ધૂંવાધાર બની ગયું.]

વેગળી હટી જા, મેખી, નકે માર દિયાં વધા
સૂણી ધોમ ઝાળ કુંઢી અંગહી સુસાર
લોંડ! પાછી હટું તો તો ધણીને ખોટ્ય હીં લાગે
પાછી હટાં સુધી તો તો લાજે પરમાર.

""[અરે ભેંસ ! તું વેગળી હટી જા. નહીં તો તને મારી નાખીશ. સાંભળીને ભેંસને અંગે ઝાળ લાગી. અરે ધૂર્ત! હું જો પાછી હટું તો તો મારા ધણીને બટ્ટો બેસે. યુદ્ધમાં પાછી હટું તો તો મારા માલિકનું પરમાર કુળ લાજે! ('નોળ શાખા'ના આહીરો પરમાર રજપૂતોમાંથી ઊતરેલા હોવાની માન્યતા છે.]

રૂપ વિકરાળ મારે ધણી છે હીં નોળ રાજા
હઠાળા ખાડુને એનું જોર છે હમેશ,
બંકા રૂઠા ધણી મારા ભાલારી ધારસેં વીંધે
દોખીયાં ન કરે જેનો મુખસેં દવેસ.

[વિકરાળ રૂપવાળો મારો રાજા છે. અમારા જોરાવર ટોળાને એનું સદાનું જોર છે, મારો બંકડો ધણી રૂઠે તો તો ભાલાના અણીએ વીંધી નાખે. દુશમનો એનો દ્વેષ મુખોમુખ કરી શકે નહીં.]

એવા પરસ્પરના પડકાર પછી બંને વચ્ચે યુદ્ધ મંડાય છે:

ઉઠાયા મેખીએ પાગ ગડાસા નાખતા આપે
હરીકું ભગાયા ગેલી કાંગલે હઠાળ;
રામ નોળ તણું ખાવું શામજી સરમોળ રાખે,
ઝંઝેડે સિંહકા છેડા કુંઢી કાળ ઝાળ !

[મહિષી કાંગલીએ હુંકાર કરીને પગ ઉઠાવ્યો. એ હઠીલી ભેંસે સિંહને નસાડ્યો. ભાઈ રામ નોળના ખાડુને શ્યામ પ્રભુ સુરક્ષિત રાખજો! અને એની કુંઢી ભેંસો સદા સિંહને નસાડજો!]
સૌરાષ્ટ્રના ખંડેરોમાં
41