પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સરસાઈની નદીમાં બતાવાતા જળકુંડને, સંભવ છે કે, લોકોને ફક્ત રોઈદાસજીના ચર્મ-કુંડનું પુનિત નામ આપીને એક સ્મારક રૂપ બનાવ્યો હશે. પણ એ સ્મારકો ને એ પ્રતીકો નક્કી કરવાની લોકભાવના એક રીતે નોખી તરી જાય છે. કલકત્તાને સામે કિનારે બેલૂર મઠમાં સ્વામી વિવેકાનંદજીનો ઢોલિયો, અથવા સ્વામીજીએ પીધેલો કોઈ હોકો કે ચીરુટનો શેષ ભાગ સંઘરી રાખેલ છે. તે થયું પ્રતીક-પૂજાનું ઊતરતું સ્વરૂપ. ને એથી જુદું, આ સંતના જીવનને એક ચર્મ-કુંડમાં સ્મરણાંકિત કરવું એટલે સાચા માનવ-ગૌરવની સ્થાપના. હિન્દુ ધર્મની પુરોહિત હાથે જઈ પડેલી પ્રણાલિકાઓ સામે લોક-હૃદય આવી રીતે જ મૂંગા પુકારો નોંધાવતું હતું. એમ ન હોત તો રોઈદાસની પ્રતિષ્ઠા કોઈ દેવળમાં મૂર્તિરૂપે જ થઈ ગઈ હોત.

સૌરાષ્ટ્રના ખંડેરોમાં
૫૯