પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અંધકારમાં એ નવસોની સૂતેલી મેદની પર સેના તૂટી પડી. એંશી જણા સામી છાતીએ ઊભા રહ્યા. તેઓને કુડાહે કાપ્યા. કોઈએ ચૂં કે ચાં ન કર્યું.

અને પેલો દસ વર્ષનો બાલ પ્રતિનિધિ પણ અડગ ઊભો. એના ઉપર કુહાડો પડ્યો. ભાઈને બચાવવા બે બહેનો આડી પડી : અમારા ભાઈને રે'વા ધો. એને માટે અમને કાપી નાંખો! એમ રગરગતી એ પણ કતલ થઈ.

આજે એ બે બહેનોની પણ ખાંભીઓ ત્યાં ખડી છે, ચોરાસી પુરુષ-પાળિયાની વચ્ચે એ બે સ્ત્રીની ખાંભીઓ તેની ઉપર કોતરેલા બબે ગોળાકારો પરથી પરખાય છે.

તીર્થધામ

આ કતલનો હાહાકાર બોલી ગયો. સરકારે રાજ પર કમિશન બેસારી, નવાબને પદભ્રષ્ટ કર્યા હતા, ને મહિયાઓને કરમુક્ત બનાવી જૂનાગઢની હકૂમત નીચેથી એજન્સીની હકૂમતમાં ખેસવી નાખ્યા હતા.

ચારણોનાં છૂટક છૂટક ત્રાગાં સિવાય સોરઠની ધરા પર એક હથિયારધારી શૂરવીર લડાયક જાતિના બેઠા બહારવટાનો આ કિસ્સો એક અને અનન્ય જ છે. મહાત્મા ગાંધીજીને માટે કનડો આજે તીર્થનું ધામ થવા લાયક છે. પણ મહાત્માજીને આ ઘટનાથી કોણ વાકેફ કરે? હજુ તો અરધા જ સૈકા પરની આ વાત છે. મારા 'સોરઠી બહારવટિયા' ભાગ ત્રીજામાં એનો સવિસ્તર ને શબ્દશઃ અહેવાલ પડ્યો છે.1

કનડાને દીઠ્યે એ બધું તાજું બન્યું હતું.

સોરઠી જુવાન

બીજું જોવાનું રહી ગયું દોણ-ગઢડાનું વંકુ ગીરબિન્દુ. ત્યાં મારે પાંડવ જુગના કહેવાતા દ્રોણેશ્વર મહાદેવને જોવા નહોતું જવું. પણ સોમૈયા મહાદેવની મૂર્તિને તૂટતી અટકાવવા નીકળેલા એક મધ્યયુગી જુવાનનું લગ્નસ્થાન જોવા જવું હતું.

એ જુવાનનું નામ હમીરજી ગોહિલ. વાર્તા તો એની મશહૂર છે. સોમનાથ પર ત્રીજી વાર ઇસ્લામને ચઢી આવતો સોરઠે સાંભળ્યો, ત્યારે ગુજરાત-સૌરાષ્ટ્રના ક્ષત્રિયોનું એક પંખીડું ય ફફડવું નહીં.

'ધિક્કાર છે રાજપૂતોને!” જુવાન હમીરજી, લાઠી પાસેના એક કાળના અરઠીલા ગામમાં, પોતાને ઘેર બેઠો બેઠો ઊકળી ઊઠ્યો : “છતે રાજપૂતે હિન્દવાણાનું નાક કપાશે.” મોટા બે ભાઈઓ પરદેશી સૂબાઓની ચાકરીમાં ગયા હતા. ભોજાઈ ઘેરે હતી. ભોજાઈએ બાળ દિયરને ટોણો માર્યો: “તમે ય રાજપૂત છો ને? કાં નથી જતા?”

એવા મેણાએ એ નમૂછિયા સોરઠી બાળને સોમનાથની દિશા પકડાવી. લડવૈયો બનીને નહીં, વ્રતધારી બનીને હમીરજી ચાલ્યો. જીવતા પાછા આવી શકાશે નહીં: મરવું


1 'મહિયાનાં બારવટાં'

સૌરાષ્ટ્રના ખંડેરોમાં
65