પૃષ્ઠ:સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ છે : જીવતે કે મુવે, મસ્તક સોમૈયાજીને ચડાવવું છે : ભોજાઈ, તારી કૃપા છે, કે તે મને સ્વધર્મ સુઝાડ્યો.

લગ્નનો આદર્શ

બાળ હમીરજી અવિવાહિત હતો. જગતની કશી વળગણ નહોતી. બેફિકર કલેજે ઘોડેસવારે ઘોડો હાંક્યો. માર્ગે આ ઘાટી ગીર પડી હતી. તીરકામઠાંવાળા ભીલ લૂંટારાઓએ હમીરજીને ઘેરી લીધો. ભીલ સરદાર વેગડા સામે રજૂ કર્યો. કહે છે કે આ દોણ-ગઢડાની નજીક જ ભીલપતિ વેગડાનું મથક હતું. અહીં એ ભીલ સરદાર વંકા કરડા જુવાનને નિહાળ્યો, સન્માન્યો, પોતાનો જમાઈ બનાવ્યો. છેલ્લે મૃત્યુની વાટે પણ જમાઈનો સુંદર સાથ કર્યો.

મૃત્યુની વાટે નીકળેલા હમીરને લગ્નની ઇચ્છા કેમ જન્મી? રોટલા જમતાં જમતાં એણે પોતાને પિરસનાર ભીલ-કન્યાનું મોં દીઠું. મુગ્ધ થઈ ગયો – એ નારીના ચકચકતા નીરોગી કાળા રંગ ઉપર, ચહેરાની નમણાઈ ઉપર, ઘાટીલી દેહરચના ઉપર, દેહની મજબૂતી ઉપર.

પ્રથમ પ્રશ્ન તે સમયના પુરુષને હૃદયે આ હતો : કે વંશનો વેલો ચાલુ રહે, ને એ વંશમાં વીર પ્રજા પાક્યા કરે. લગ્નના ધોરણનું પહેલું પગથિયું આ હતું.

એક જ રાત

હમીરજીને નિર્વંશતાનો સંભવ ખૂંચતો હતો. આંહીં પોતાની સન્મુખ બહાદુરોની જનેતા બને તેવી સ્ત્રી તૈયાર હતી. હમીરજીને પ્રેમનો પણ હૃદયમાં આજ પહેલી વાર થનગનાટ જાગ્યો. પ્રેમદાત્રી સામે ખડી હતી. ભીલકુમારી મોહ પામી હતી, આવા આશાભર્યા જોબનજોધને મૃત્યુપંથે પળતો દેખી.

“પણ એ ભીલકુમારી! એક જ રાતના ગૃહવાસને સારુ તારો તો સમસ્ત ભવ બગાડવો ને મારે?”

ભીલપુત્રીએ જવાબ વાળ્યો હશે તો તે આવો જ હશે ને કે “હે જુવાન! એક રાત્રિનો સાચો સંસાર હજારો કંગાલ જિંદગાનીઓ ન્યોછાવર કરવા જેવો નથી શું?”

રુધિર મિશ્રણ

પણ જવા દો એ બધા પ્રણય-પ્રલાપોને. સોરઠી જુવાન એક રાત્રિને માટે પરણ્યો. ગંગાજળકુળ ગણાતા ગોહિલના બાલકે અનાર્ય મનાતી શિકારી કોમની બાલાનું પાણિગ્રહણ કર્યું, એક રાત્રિ, એક જ રાત્રિના એના દંપતી-સંસારને ક્યારે એક મિશ્રજાતિની વંશવેલ્ય ચડી, જેનું નામ ગોહિલ કોળી.

એવી મંગલ ઘટનાનું લીલાસ્થાન દોણ-ગઢડા મને પ્રિય છે. કલ્પનામાં પ્રિય લાગે છે. ને સોમનાથને પાદર સમરભૂમિમાં જ્યારે શત્રુની સમશેરે પડેલા મસ્તકને બે હાથમાં

66
લોકસાહિત્યનાં શોધન-ભ્રમણ