પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

ભાગુરાયણ આપણા હાથમાં આવ્યો, એ કાંઈ જેવો તેવો આધાર મળ્યો નથી ! જે પાયાપર સઘળી ઇમારત ચણવાની છે, તે પાયો જ સ્વાભાવિક રીતે મજબૂત થઈ ગયો છે, તો હવે બીજું શું જોઇએ?” એવી તેના મનમાં ભાવનાઓ થતી હતી, પણ હવે પછીના કાર્યનો પ્રસ્તાવ જેટલો ઊતાવળે થવો જોઇએ, તેટલો ભાગુરાયણ ઉદ્યોગમાં લાગતો નથી, એમ જોઇને તેને જરાક ખેદ પણ થતો હતો. રાજનીતિનું એવું તત્ત્વ છે કે, જે કાર્ય ધીટતાથી અને કુઠારપ્રહારથી કરવાનું હોય, તે કાર્યમાં વધારે દિવસોનો વિલંબ હાનિકારક થઈ પડે છે. આપણાં કારસ્થાન કેટલાક દિવસ ગુપ્ત રહેશે અને તેમનો ક્યારે પ્રકાશ થઈ જશે, એનો નિયમ હોતો નથી - માટે જ્યાં સુધી તેમનો સ્ફોટ થયો ન હોય, ત્યાં સુધીમાં તે કાર્યની સફળતાનો વિશેષ સંભવ હોય છે. ગુપ્ત ભેદનો પ્રકાશ થતાં શત્રુ એકવાર સાવધ થયો - એટલે પછી સિદ્ધિનો સંભવ જ શો રહ્યો? અર્થાત એથી સિદ્ધિ મેળવવા માટેની અર્ધી આશાનો લોપ થઈ જાય છે. એ સર્વ વિચારો ચાણક્યે ભાગુરાયણને સ્પષ્ટ કહી પણ સંભળાવ્યા; પરંતુ કપટરચનાથી પરશત્રુને પોતાના રાજ્યમાં બોલાવવા સંબંધીની ભાગુરાયણના મનમાં અદ્યાપિ મોટી શંકા હતી. “પરશત્રુની શક્તિનો લાભ લીધા પછી તેને અહીં પગ પેસારો ન થવા દેવાના આપણા પ્રયત્નો કદાચિત વ્યર્થ જાય, તો પછી લાભ શો રહ્યો? બધાં કારસ્થાનો બીજી જ દિશામાં જવાનાં. ઉપરાંત ચંદ્રગુપ્તને રાજ્ય મળતું હોય, તો ધનાનન્દને દૂર કરવા માટે હું તૈયાર છું - એમ જો કે મેં ચાણક્યને કહેલું છે - તો પણ મારા જ હાથે એ કાર્ય બને તે સારું નહિ.” એવી રીતે પોતે ભૂંડા પણ ન થવું અને યથેચ્છ કાર્ય પણ કરવું, એવા બે પરસ્પર વિરુદ્ધ વિચારોમાં અથડાતો હોવાથી ભાગુરાયણ એક ઘાને બે કટકા જેવું વર્તન કરી શકતો નહોતો. પણ ચાણક્યને એ સારું લાગતું નહોતું, પરંતુ જે મનુષ્ય એક કાર્ય કરવાને તત્પર થયો હોય, તેને વધારે સંતાપવાથી કંટાળીને કદાચિત તે એ કાર્ય કરવાથી ફરી બેસવાનો સંભવ હોય છે. એટલા માટે તેને પોતાની ઇચ્છા પ્રમાણે જ વર્તવા દેવો, એવી ધારણાથી ચાણક્ય પોતાનો કાળ વીતાડતો હતો અને સાથે સાથે પોતાનાં કારસ્થાનો પણ ચલાવતો જતો હતો. ધનાનન્દને રાજ્યાસનપરથી દૂર કરવાનું તો ઠીક, પણ જેના મનમાં તેના અને તેના સર્વ પુત્રોના નાશની ઉત્કટ ઇચ્છા અને સર્વ નંદોનો ઉચ્છેદ કરીને ચન્દ્રગુપ્તને મગધદેશના સિંહાસને બેસાડવાની પ્રબળ પ્રતિજ્ઞા થએલી હતી, તે ચાણક્યને કોઈ પણ ઉપાય કે કોઈ પણ કૃત્ય અયોગ્ય છે, એમ દેખાતું જ નહોતું. યોગ્ય સંધિ અને યોગ્ય સાધન એ ઉભયનો મેળાપ થયો કે, કાર્ય સિદ્ધ થયું જ, એવો ચાણક્યનો