પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૫
નિશ્વય ચળી ગયો.

એવો સંશય પણ તેના મનમાં આવ્યો. તેનું હૃદય થર થર કંપવા લાગ્યું. તેની દૃષ્ટિ ભ્રમિષ્ટ થઈ ગઈ, તેનો શ્વાસ જાણે એકદમ રુંધાઈ ગયો હોયની ! એવો તેને ભાસ થયો અને જાણે હમણાં જ રડી પડશે, એવો તેનો દેખાવ થઈ ગયો. તે રાજાને આલિંગીને જ બેઠેલી હતી, તેથી તેના હૃદયના કંપથી થતો ધ્વનિ રાજાના સાંભળવામાં આવ્યો અને તેની ચર્યાને પણ તે તત્કાળ એાળખી ગયો; પરંતુ રાણીના ગભરાટનું કારણ તેને જૂદુ જ જણાયું અને તેથી તે તેને ઉદ્દેશીને બોલ્યો કે, “પ્રિયતમે ! કેવળ સ્વપ્નની કથા સાંભળવાથી તું આટલી બધી ગભરાઈ ગઈ ત્યારે જો પ્રત્યક્ષ તારા દેખતાં વ્યાઘ્રે મારા શરીરપર ધસારો કર્યો હોય, તો તે વેળાએ તારી શી દશા થાય વારુ ! મારા ધારવા પ્રમાણે તો માત્ર મરણ જ!”

રાજાના એ ભાષણથી મુરાદેવીના મનમાં કિંચિત્ ધૈર્ય આવવા જેવું થયું અને તેથી જિહ્વા ખોલીને તેણે કહ્યું કે, “ખરેખર જો તેવો પ્રસંગ મારાં નેત્રો સમક્ષ બને તો ત્યાં જ મારા પ્રાણ પ્રયાણ કરી જાય ! પણ આર્યપુત્ર ! એવા ભયંકર પ્રસંગે આપે ખડ્‍ગ માગ્યું અને મેં તે ન આપ્યું, એવો પ્રકાર સ્વપ્નમાં જોવાથી પુનઃ આપ મને ત્યાગશો તો નહિ ને? આપે સ્વપ્નનો વૃત્તાંત કહી સંભળાવ્યો, ત્યારથી મારા મનમાં એ જ ભય થયા કરે છે.”

એટલું બોલી રાજાને ગળે બાઝીને તેણે હૃદયભેદક રોદન કરવા માંડ્યું. રાજા તેના કપાલભાગમાં ચુંબન કરતો તેને આશ્વાસન આપતો કહેવા લાગ્યો કે, “અરે ગાંડી! માત્ર સ્વપ્નમાં જોએલી વાતોને ખરી માનીને હું તારો ત્યાગ કરું, એટલો બધો તું મને મૂર્ખ ધારે છે કે શું? સ્વપ્નની વાત તો અસત્ય જ છે, પણ તારામાં હવે મારો એટલો બધો વિશ્વાસ બંધાઈ ગયો છે કે, મારી જાગૃત અવસ્થામાં પણ જો એવો પ્રકાર મારા જોવામાં આવે, તો પણ એકવાર મને તે સાચો ન જ ભાસે. એવો સત્ય પ્રકાર પણ મને સ્વપ્ન સમાન દેખાય. બીજું તે વધારે શું કહું? માટે હવે શોકને ત્યાગી દે અને શાંત થા.”

“આર્યપુત્ર ! ત્યારે શું ખરેખર આપને મારામાં આટલો બધો ભાવ છે કે ? ત્યારે આપ હવે મારા વિશે કંઈ પણ શંકા તો કરવાના નથી ને? એકવાર મને કડવો અનુભવ મળી ચૂક્યો છે, તેથી જ આટલી બધી ભીતિ વારંવાર થયા કરે છે, બીજું આનું કોઈ કારણ નથી. હું સર્વથા નિરાધાર અને નિરાશ્રિત છું; આ વિશ્વમાં આપના વિના મારો બીજો કાઈ આધાર નથી. હે પરમાત્મન્ ! તે મહારાજાને આવા પ્રસંગે આવું સ્વપ્ન તે શાને દેખાડ્યું !” મુરાએ મોહજાળનો હાવભાવથી વિસ્તાર કર્યો.