પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૫
ચાણક્યનો વિચાર.

અને તેથી જ આ હાહાકાર તથા આવી વિલક્ષણ રાજ્યક્રાંતિ થવાનો સમય આવ્યો, એવા વિચારવાળા અને જાગૃત થઈ આંખો ફાડી ફાડીને જોનારા રાક્ષસને દાવમાં લાવવો, એ કાંઈ જેવું તેવું કાર્ય નથી. સામ, દામ, દંડ અને ભેદ! એમાંથી દામ, દંડ અને ભેદ એ ત્રણ પ્રકારના પ્રયોગો એનાપર કરવાથી નિરાશા જ મળવાની છે - કદાચિત સામ પ્રયોગથી જ એ વશ થાય તો થાય, એ સામનો પ્રયોગ મારા પોતા વિના બીજા કોઈથી પણ કરી શકાય તેમ નથી. એ કાર્ય માટે મારે જ અગ્રણી થવું જોઈએ. તેની સત્ય નીતિ સમક્ષ આપણી વક્રનીતિ સર્વથા નિરુપયોગી છે, અને તેની સરળતા સમક્ષ મારી કુટિલતા સર્વથા નિર્બળ જ છે. કુટિલતા નિર્બળ શા માટે ? કારણ કે, જ્યાં કૌટિલ્યનો ઉપયોગ થતો હોય ત્યાં કૌટિલ્યનો અને જયાં સરળતાનો પ્રયોગ થવો જોઈએ ત્યાં સરળતાનો જ પ્રયોગ કરવો, એ વધારે ઉચિત છે. અર્થાત્ સાધ્ય કાર્યમાં દૃષ્ટિ રાખીને પછી જ જે કરવાનું હોય તે કરવું, સાધનમાં વધારે ધ્યાન રાખવાની કશી આવશ્યકતા નથી. કારણ કે, આજે એક સાધન છે, તો કાલે બીજું થવાનું અને પરમ દિવસે ત્રીજું, જે વેળાએ જે સાધન યોગ્ય લાગે, તે વેળાએ તેની યોજના કરીને પોતાનો હેતુ સાધી લેવા રાક્ષસને મારે મળવું અને તેને બધો સરળતાનો જ ભાવ દેખાડવો. તેના મનમાં નન્દવંશ માટેનું જે અભિમાન છે, તેને વિશેષ જાગૃત કરીને તેના જ યોગે કાર્ય સાધી લેવું. મગધદેશપર બીજા રાજાઓ સંકટ લાવવાના છે અને વેળાસર જો તેનું નિવારણ કરવામાં નહિ આવે, તો મગધદેશ રસાતળમાં પહોંચી જશે, યવનો એને પાદાક્રાન્ત કરી નાંખશે. એવાં એવાં ભાષણો કરીને તેના મનમાંની સ્વદેશભક્તિને ઉદ્દીપ્ત કરીને અવશ્ય હું મારું કાર્ય સાધીશ, નહિ તો પ્રાણ ત્યાગીશ. ચાણક્ય જે પ્રતિજ્ઞા કરે, તેને સિદ્ધ કરી બતાવ્યા વિના તે કદાપિ જંપીને બેસનાર નથી જ. ચાણક્યની દૃષ્ટિ સાધ્યમાં છે, સાધનમાં નથી, રાક્ષસ પાસેથી ભિક્ષા માગવાની, અને તેની આગળ પલ્લવ પાથરવાની વેળા આવશે, તો પણ કાંઈ ચિન્તા જેવું નથી. આપણે તો આપણા કાર્યની સિદ્ધિમાં જ દૃષ્ટિ રાખવાની છે. ચંન્દ્રગુપ્તને જો સારી વ્યવસ્થાથી મગધદેશના સિંહાસન પર બેસાડવો હોય, તો રાક્ષસની સહાયતા અને અનુકૂલતાની ઘણી જ આવશ્યકતા છે. એકવાર એ અનુકૂલ થયો - જો એણે પ્રધાન પદવીનો સ્વીકાર કર્યો, તો પછી કાર્ય સિદ્ધિમાં કાંઈ પણ પ્રત્યવાય રહેશે નહિ. એકવાર એ હા પાડશે, તો પછી કોઈ કાળે પણ ના પાડવાનો નથી......."

ચાણક્યના મનના વિચારો આટલી દૂરની સીમા સુધી પહોંચી ગયા, એટલામાં પાછો એક નવો વિચાર તેના મનમાં આવ્યો. એ વિચાર આવતાં