પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૭
ચાણકયનો વિચાર.

કોપાયમાન થઈ ગયો અને તેણે એકાએક મગધદેશ પર ચઢાઈ કરવાનો નિશ્ચય કર્યો. પરંતુ આમ એકલે હાથે જ ચઢાઈ કરવાથી યુદ્ધમાં જય મળશે કે નહિ, એ વિશેની તત્કાળ તેના મનમાં શંકા થવા લાગી. એટલે બીજા કોઈની સહાયતા લઈને મગધપર ચઢાઈ કરીને વેર વાળવાનો તેને વિચાર થયો. આપણે પ્રથમથી જ જાણી ચૂક્યા છીએ કે, પર્વતેશ્વર ગ્રીક યવનોનો એક માંડલિક રાજા હતો, એટલે એ વેળાએ પોતાના સામ્રાજ્યાધિપતિની સહાયતા માગવામાં મલયકેતુને કશોય પ્રત્યવાય હતો નહિ. એ સારી રીતે જાણતો હોવાથી મલયકેતુએ અલક્ષ્યેંદ્ર (એલેક્ઝાંડર) બાદશાહના પ્રતિનિધિ સલૂક્ષસ નિકત્તરના નામે એક પત્ર પાઠવ્યું અને તે પત્રમાં નન્દના ઘાતનો અને તે ઘાતના સમયે પોતાના પિતા પર્વતેશ્વરને કપટથી પકડીને કેદ કરવા વિશેનો સઘળો વૃત્તાંત તેણે લખી જણાવ્યો. અંતે એ પત્રમાં તેણે એવી માગણી કરી હતી કે, “આવા પ્રસંગે આપે પોતાના સૈન્ય સહિત પધારીને અમને સહાયતા આપવી જોઈએ. એટલે અમે એ વિશ્વાસઘાતકો પાસેથી વૈરને સારો બદલો લઈ શકીએ.” ઇત્યાદિ.

સલૂક્ષસ નિકત્તરને આવા પ્રસંગો જેટલા બને તેટલા લાભકારક જ હતા. પોતાના યાવની રાજ્યનો વિસ્તાર જેટલો વધારી શકાય તેટલો વધારવો, એ તો તેની મુખ્ય ઇચ્છા હતી. પરંતુ મગધદેશમાં જ્યાં સુધી રાક્ષસ જાગૃત છે, ત્યાં સૂધી ત્યાં પ્રવેશ થવો અશક્ય છે, એમ ધારીને જ તે સ્વસ્થ થઈ બેસી રહ્યો હતો. નહિ તો ક્યારનું એ તેણે માથું ઉંચક્યું હોત.

જેવી રીતે અલક્ષ્યેંદ્રની એવી મહત્ત્વાકાંક્ષા હતી કે, દૃષ્ટિથી દેખાય છે, તેટલું સર્વ જગત પોતાના તાબામાં આવવું જ જોઇએ, તેવી રીતે સલૂક્ષસ નિકત્તરની એવી મહત્વાકાંક્ષા હતી કે, “મારે આર્યાવર્તનાં અને ગંગા નદીની પેલી બાજુના મગધ આદિ દેશોનાં રાજ્યો જિતીને ગ્રીક યવનોની સત્તાનો સર્વત્ર પ્રસાર કરવો અને સર્વ આર્ય જનોને મારા સામંત બનાવવા.” એલેક્‌ઝાંડરે જે જે દેશોને નમાવ્યા હતા, તે તે દેશોમાં એણે પણ પોતાનો પ્રભાવ બતાવવાનો પ્રયત્ન કરીને તેમાં સારી સિદ્ધિ મેળવી હતી. માત્ર નન્દના રાજ્ય પર હલ્લો કરતાં જ તે અચકાતો હતો. એ રાજ્ય પર આક્રમણ કરવાનો પણ એલેક્‌ઝાંડરે પ્રયત્ન કરી જોયો હતો, પરંતુ અનેક કારણોથી તેમાં તેને યશ મળી શક્યું નહોતું, એ બાબતમાં સલૂક્ષસ નિકત્તરને એલેક્‌ઝાંડરથી પણ આગળ વધવાનો વિચાર હતો. મગધના રાજ્યને ઊંધું વાળીને પાટલિપુત્રને પોતાની ગ્રીક-યવનોની-રાજધાની બનાવવાનો તેનો વિચાર હતો. એ પોતાની મહત્ત્વાકાંક્ષાને તૃપ્ત કરી લેવા