પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૮
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

જ કહો કે, મલયકેતુ જો સલૂક્ષસ સહિત અહીં આવે, તો પુષ્પપુરીના લોકો ચાણક્ય અને ચન્દ્રગુપ્તથી વિરુદ્ધ થઈ તેમનો ઉચ્છેદ કરવાને તૈયાર થશે કે નહિ. અને આપની સહાયતા તેને મળશે કે નહિ?" શાકલાયને તડ ને ફડ કરી નાંખવાના ભાવથી એ પ્રાર્થના કરી.

“પુષ્પપુરીના લોકો મલયકેતુને રંચમાત્ર પણ ઉત્તેજન આપશે નહિ, તેમ જ આ રાક્ષસ, ચાણક્ય, ચન્દ્રગુપ્ત અને ભાગુરાયણ માટે મનમાં ગમે તેટલો દ્વેષ ધરાવતો હશે, તોપણ મગધદેશને મ્લેચ્છોના અધિકારમાં જવાના કાર્યમાં તે કોઈ કાળે પણ સહાયતા કરનાર નથી. બે જણના પરસ્પરના વિરોધમાં વચ્ચે ત્રીજો ચોર આવીને તે બન્નેનો માલ પચાવી પાડે, એ રાક્ષસને માન્ય નથી. હું જો કાંઈ પણ કરીશ, તો તમારા ઉપદેશથી વિરુદ્ધ જ કરીશ. અર્થાત્ કરી શકાશે તો હું ચન્દ્રગુપ્તને જ સહાયતા કરીશ ને નહિ તો શાંત થઈ બેસી રહીશ, પણ મ્લેચ્છાધિપ પર્વતેશ્વર અથવા તે યવન ક્ષત્રપ સલૂક્ષસ એ બન્નેમાંથી કોઈના પણ હાથમાં મગધદેશનું રાજ્ય હું જવા દેવાનો નથી. હવે પાછા પોતાની આર્યજિહ્વાથી આપ મને યવનોને સહાયતા કરવા માટેની વિનતિ કરશો નહિ. જે સ્થાનેથી આપ આવ્યા છો, ત્યાં પાછા ચાલ્યા જાઓ. એ યવનોના અધિકારકુઠારનો આ મગધરાજ્ય વૃક્ષના સ્થાણુમાં એક કુંતલ માત્ર પણ પ્રવેશ થવા દેવો, એ રૌરવ નરકના અધિકારી થવા જેવા પાપ સમાન છે. એમની કોદાળીનો ઘા પયો, એટલે સમસ્ત વૃક્ષનો ઉચ્છેદ થયો જ સમજવો. માટે કૃપા કરીને જાઓ.” રાક્ષસે કંટાળીને અંતે તેનું અપમાન કરી નાંખ્યું.

શાકલાયન એ રોકડા જવાબથી આશ્ચર્યચકિત થઈ ગયો. એક શબ્દ પણ ઉચ્ચારવાની તેનામાં હિંમત રહી નહિ, એટલે તત્કાળ પોતાના સાથી સંવાહકને લઈને તે ત્યાંથી છ પાંચ ગણી ગયો.





પ્રકરણ ૪૦ મું.
ચાણક્ય હાર્યો !

ચાણક્ય પોતાની પર્ણકુટિકામાં સિદ્ધાર્થક સાથે વાતચિત કરતો બેઠો હતો. સિદ્ધાર્થકે હમણાં જ તેને એક નવી ખબર આપી હતી અને તે સાંભળીને ચાણક્ય કાંઈક આશ્ચર્યમાં પડી ગયો હતો. તેની મુખમુદ્રામાં ગંભીરતાનો ઘણો જ ભાવ દેખાતો હતો. તે ઘણીવાર સુધી સ્વસ્થ થઈને બેસી રહ્યો અને ત્યાર પછી એકદમ બોલ્યો કે, “સિદ્ધાર્થક ! સંવાહકના વેશમાં તું ગયો અને રાક્ષસે તને ન જ ઓળખ્યો, એ વિશે તારો પૂરેપૂરો નિશ્ચય છે કે કાંઈ શંકા જેવું છે ?”