પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૯
ચાણક્ય હાર્યો.


“જરા પણ શંકા જેવું નથી. અમાત્યના મનમાં જરા પણ સંશય આવવા ન પામે, તેટલા માટે તેના ઘરમાં પ્રવેશ કરવા પૂર્વે જ મેં શાકલાયનને કહી રાખ્યું હતું કે, મને ચન્દ્રગુપ્તે આપની પાસે મોકલ્યો છે, એવો ઉચ્ચાર જ કરશો નહિ અને શાકલાયન એ ઉપદેશને અનુસરીને એવું કશું પણ બોલ્યો નહોતો. હું તો માત્ર ત્યાં મૂકસ્તંભ પ્રમાણે બેસીને તે બન્નેનું સંભાષણ સાંભળ્યા કરતો હતો. મેં મનમાં વિચાર કર્યો કે, કદાચિત હું કાંઈ બોલીશ અને રાક્ષસ ઓળખી કાઢશે, તો બધી બાજી બગડી જશે, વળી રાક્ષસ મારા વિશે કાંઈ શંકા તો નહિ કરે, એવી ભીતિ પણ મને ક્ષણે ક્ષણે થયા કરતી હતી. રાક્ષસ મને સંશયયુક્ત દૃષ્ટિથી તો નથી જોતો, એ જોવા માટે હું વારંવાર રાક્ષસને જોયા કરતો હતો. મેં મારાં નેત્રોને તેનામાં જ પરોવી રાખ્યાં હતાં એથી મારો નિશ્ચય થઈ ગયો છે કે, રાક્ષસ મારા સત્ય સ્વરૂપને બિલ્કુલ જાણી નથી શક્યો. હું કોઈ શાકલાયનનો સેવક છું અને તેથી છદ્મ વેશથી આવ્યો હોઈશ, એમ જો કે તેણે અનુમાન કર્યું હશે; પણ હું ખરેખર કોણ છું, એ તો તે જાણી શક્યા નથી જ. અને જાણી શકે પણ કેવી રીતે ? રાક્ષસ કાંઈ આપના જેવો કુટિલનીતિ વિશારદ નથી. તેને આપનાં સર્વ પ્રકારનાં કૌટિલ્યોની કલ્પના પણ નહિ હોય. અર્થાત્ તે શાકલાયન સાથે સંભાષણ કરવામાં સર્વથા લીન થઈ ગએલો હતો.” સિદ્ધાર્થકે પોતાના નિશ્ચયનું દર્શન કરાવનારુ ઉત્તર આપ્યું.

સિદ્ધાર્થકના એ ભાષણમાં આરંભે ક્ષણ બે ક્ષણ ચાણક્યનું લક્ષ હતું, અને ત્યાર પછી શાકલાયન અને રાક્ષસનો જે પરસ્પર સંવાદ થયો, તેમાં રાક્ષસને પોતા વિશે કાંઈ પણ સંશય ન આવ્યો, એ નિશ્ચયપૂર્વક જાણતાં જ તેના મનમાં જુદા પ્રકારના વિચારોનો પ્રવાહ વહેવા માંડ્યો. એટલે સિદ્ધાર્થકના બોલવામાં તેનું ધ્યાન રહ્યું નહિ, એ વિચારનો પ્રવાહ વહેતો વહેતો ઠેઠ એટલે સૂધી પહોંચ્યો કે, તે વિચારના પ્રભાવથી ચાણક્ય એકદમ ઊઠીને ઊભો થઈ ગયો અને જાણે રાક્ષસ પોતાના સમક્ષ જ ઊભો હોયની ! તે પ્રમાણે મોટેથી પોકાર કરીને બેાલવા લાગ્યો કે, “શાબાશ ! રાક્ષસ ! તારી સરળતા સમક્ષ મારી કુટિલતાનું કાંઈ પણ બળ ચાલવાનું નથી, એ સિદ્ધાન્ત હવે નિર્વિવાદ સિદ્ધ થયો, તારી સ્થિતિમાં જો હું હોત અને જે સ્થિતિમાં મેં તને લાવી મૂક્યો છે, તે સ્થિતિમાં તેં મને લાવી મૂક્યો હોત, તો મેં તો તત્કાળ મલયકેતુને મળીને મગધદેશનું રાજ્ય યવનોના અધિકારમાં આપવાનો જ પ્રયત્ન કર્યો હોત. ગમે તે પ્રયત્ને પણ મને ઠગનારાઓનો નાશ કરી નાંખ્યા વિના મારા મનને સંતોષ જ ન થાત.