પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૦
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

તેથી પણ વધારે સારી વ્યવસ્થા કરો; એટલા માટે જ મેં અહીં આવવાનો શ્રમ લીધો છે, સમજ્યા?” ચાણક્યે ખુલાસો કર્યો.

“એટલે કે જે વાર્તા કાલત્રયે પણ બનવાની નથી, તે સિદ્ધ કરવામાટે જ આપે અહીં પધારવાનો શ્રમ લીધો છે, એમ જ કહી શકાય.” રાક્ષસે જવાબ આપ્યો.

“કેમ વારુ? કાલત્રયે પણ એ વાર્તા બનવાની નથી, એટલે શું?” ચાણક્યે પૂછ્યું.

“રાક્ષસના અનુચર હિરણ્યગુપ્તને ફોડવો અને રાક્ષસને પોતાને ફોડવો, એ બે કાર્યો સર્વથા ભિન્ન છે.” રાક્ષસે પોતાની દૃઢતાનું દર્શન કરાવ્યું.

“તે હું સારી રીતે જાણું છું પરતું મગધનું રાજ્ય યવનોના હસ્તમાં ન જાય, તો વધારે સારું; એવી આપની ઇચ્છા છે, અને યવનો તો ચઢાઈ કરવાની તૈયારી કરી રહ્યા છે, એનો કાંઈ વિચાર છે?” ચાણક્યે પોતાના કપટજાળનો વિસ્તાર કરવા માંડ્યો.

“મારે એનો વિચાર શાને રાખવા જોઇએ વારુ ? અત્યારે મગધદેશની સત્તાના જે જે અધિકારીઓ છે, તેઓ એનો પ્રતિકાર કરવાને સર્વ રીતે સમર્થ છે.” રાક્ષસે માર્મિક ઉત્તર આપ્યું.

“કદાચિત તેઓ સમર્થ હશે, છતાં પણ તેમને તમારી સહાયતાની આવશ્યકતા છે; અને તેથી જ મારે અત્યારે અહીં આવવું પડ્યું છે.” ચાણક્યે વાક્યનું અનુસંધાન કર્યું.

“નન્દવિના બીજા કોઈની પણ સેવા ન કરવી, એવી મારી પ્રતિજ્ઞા છે.” રાક્ષસે કહ્યું.

“એટલે મગધદેશની – પાટલિપુત્રની પણ સેવા નથી કરવી કે ?” ચાણક્યે પૂછ્યું.

“કદાચિત ન પણ કરું ! યવનેનો પણ જઈ મળું ! મારો નિયમ નથી!” રાક્ષસે કહ્યું.

“યવનોને મળી જવું, એ વાત આપનાથી કોઈ કાળે પણ બનવાની નથી, એવો અમારો દૃઢતમ નિશ્ચય થઈ ગયો છે. માટે આપનાં આવાં વચનોથી અમે ભ્રમિષ્ટ થવાના નથી જ.” ચાણક્યે પોતાની દીર્ધદૃષ્ટિતાનો અનુભવ કરાવ્યો.

“આપનો એવા દૃઢતમ નિશ્ચય શાથી થયો ? એ નિશ્ચય થવાનું કોઈ મોટું કારણ હોવું જોઇએ.” રાક્ષસે જાણે પોતે શંકાશીલ હોય, તેવા ભાવથી કહ્યું.