પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૩૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૮
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.


ધૂળધાણી કરી નાંખી; અને લગભગ વર્ષથી દોઢ વર્ષ જેટલા ટૂંકા સમયમાં જ ચન્દ્રગુપ્તે સલૂક્ષસને કાશ્મીરથી પેલી તરફ હાંકી કાઢ્યો. અંતે સલૂક્ષસે ચન્દ્રગુપ્ત સાથે સુલેહ કરીને સિંધુ નદીની પશ્ચિમે આવેલો સર્વ દેશ છોડી દીધો. એ છોડેલા દેશમાં ગાંધાર દેશ પણ આવી ગયો હતો. તેણે પોતાની એક પુત્રીનું ચન્દ્રગુપ્ત સાથે લગ્ન કીધું અને પેાતાના એક મેગાસ્થનીસ નામના એલચી (પ્રતિનિધિ)ને ચન્દ્રગુપ્તની રાજધાનીમાં રાખ્યો. પર્વતેશ્વરને બંધનમુક્ત કરવામાં આવ્યો અને ત્યારથી તે ચન્દ્રગુપ્તનો માંડલિક થઇને રહ્યો. રાક્ષસે સચિવ પદવીને સંભાળી અને સલૂક્ષસનો એક બે વાર પરાજય થયો, એટલે થોડા દિવસ પછી ચાણક્ય પોતાના હિમાલયમાંના આશ્રમમાં ચાલ્યો ગયો અને ત્યાં તપશ્રર્યા કરતો કાળ વ્યતીત કરવા લાગ્યો. ચન્દ્રગુપ્તે આશ્રમમાંના પોતાના બધા સહાધ્યાયીઓને પાટલિપુત્રમાં બોલાવ્યા અને તેમને પોતાના સૈન્યમાં સારાસારા અધિકારો આપ્યા. રાજકુળના ગોધનના સંરક્ષણનું કાર્ય તેણે પોતાના પાલક પિતા ગોપાલને સોંપ્યું. પોતાની સાપત્ન માતાઓને ચન્દ્રગુપ્ત ઘણા જ આદરથી રાખવા લાગ્યો. પોતાની માતાએ પોતાના લાભ માટે આટલાં બધાં વિલક્ષણ સાહસો કર્યાં, તેથી ચન્દ્રગુપ્ત પોતાને મૌર્યના (મુરાના પુત્રના) નામથી ઓળખાવવા લાગ્યો. તેણે નન્દ નામનો ત્યાગ કર્યો હતો, છતાં પણ રાક્ષસ તો તેને નન્દ જ જાણતો હતો. વૃન્દમાલા અને તેના ઉપદેશથી સુમતિકા એ બન્ને પરિચારિકાઓ બૌદ્ધ યોગિનીઓ થઈ. વસુભૂતિના નિર્વાણપદે જવાપછી સિદ્ધાર્થક વિહારનો અધિકારી થયો અને તેણે પોતાના વિહારનો ઘણો જ બહોળો વિસ્તાર કર્યો, એના પ્રયત્નથી બૌદ્ધ ધર્મનો પ્રભાવ ઘણો જ વધવા લાગ્યો - તેનું પ્રાબલ્ય વિશેષ થયું.



સમાપ્ત.