પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭
પ્રયાણ.

છે. તેનું મન સર્વથા પોતાના ભવિષ્યમાં કરવા ધારેલા કાર્યોના વિચારમાં જ લીન થએલું હતું. સ્નાન ઈત્યાદિ કરીને તે મધ્યાહ્ન સંધ્યા કરવાને તીરપર મૃગચર્મ પાથરીને તેપર બેઠો અને આચમન કરીને પ્રાણાયામ કરવાની તૈયારીમાં હતો, એટલામાં તેનો માનીતો વત્સ ચન્દ્રગુપ્ત દોડતો દોડતો પોતા તરફ આવતો હોય, એમ તેણે જોયું. આવતાની સાથે જ ચન્દ્રગુપ્તે ગુરુને નમ્રતાથી નમન કરીને આજે પોતે વનમાં શાં શાં પરાક્રમ કર્યા હતાં, તેનો વૃત્તાંત કહી સંભળાવ્યો. તે જ્યારે એક મોટા જંગલી ડુક્કર અને એક અત્યંત સુંદર કૃષ્ણ મૃગ (કાળા હરિણ) ને મારવાનો વૃત્તાંત કહેતો જતો હતો, ત્યારે તેનો સાથીદાર એક બીજો રાજપુત્ર વચમાં જ કહેવા લાગ્યો કે “અને ગુરુજી! એ એકલો જ જ્યારે તે જંગલી ડુક્કરની પાછળ દોડી ગયો, ત્યારે અમને ખરેખર અર્જુનનું સ્મરણ થઈ આવ્યું હતું. અર્જુનના બળની પરીક્ષા માટે ભગવાન શંકરે કિરાતનું રૂપ ધારીને અર્જુનને ઉશ્કેર્યો હતો, તે વેળાએ અર્જુન ખરેખર આ ચંદ્રગુપ્ત પ્રમાણે જ શોભેલો હોવો જોઈએ.” એના બોલવાની ની સમાપ્તિ થતાં જ બીજો એક ભિ૯લ તેટલી જ ઉત્સુકતાથી કહેવા લાગ્યો કે, “ગુરુજી! જો તમે એ ડુક્કરને જોશો, તો ચંદ્રગુપ્તને ઘણો જ ધન્યવાદ આપશો. એટલો મોટો ડુકર આ જંગલોમાં આજ દિન સુધીમાં કોઈએ જોયો જ નથી, છતાં પણ એ તેનાથી રંચમાત્ર પણ બીનો નહિ અને જેવી રીતે લાકડીથી કોઈ કૂતરાને મારી નાખીએ, તેવી રીતે એણે તે ડુક્કરને ઠાર કરી નાખ્યો. આ૫ તે ડુક્કરને જોવાને ચાલો જ.”

પોતાના એકના એક અને પરમપ્રિય પુત્રે કોઈ અદ્વિતીય પરાક્રમ કર્યું હોય, તો જે પ્રમાણે તેનાં માતા પિતાને આનંદ થાય છે, તેવો જ કિંબહુના તેથી પણ વિલક્ષણ આનંદ ચાણક્યના મનમાં થયો. જેને હાથમાં લીધો છે, તેની શૂરવીરતા અત્યાર સુધી તો ઘણી જ સારી છે, પરંતુ જે કાર્ય થવું જોઈએ, તે તો સર્વ હજી બાકી જ છે; તે કાર્યની સફળતા સાથે સરખાવતાં આ કાંઈ પણ નથી, એવો વળી બીજો વિચાર આવતાં તેને થોડાક શોક પણ થયો. પરંતુ તે શોક ક્ષણમાત્રનો જ હતો. તે ક્ષણ વીતતાં જ તે ચંદ્રગુપ્તને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે, “વત્સ ચંદ્રગુપ્ત ! તારા આ પરાક્રમની વાર્તા સાંભળીને ખરેખર મારા હૃદયમાં ઘણો જ આનંદ થયો છે. સર્વદા એવાં જ પરાક્રમ કરતો રહેજે. પણ હવે તને મારે એક બીજી જ વાત કહેવાની છે. બાળકો ! તમે બધા જરા આઘા ચાલ્યા જાઓ. જ્યારે હું બોલાવું ત્યારે પાછા આવજો.” સર્વ વિદ્યાર્થીઓ સર્વથા ગુરુની આજ્ઞાને જ અનુસરનારા હતા - અર્થાત્ ગુરુની આજ્ઞા થતાં જ તેઓ તરત