પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭
પ્રારમ્ભ.

વિશાળ મંદિર કયા દેવનું છે વારુ?” એ સવાલ સાંભળતાં જ અંગમાં જાણે કંપ થયો હોયની ! તેવા ભાવથી સિદ્ધાર્થકે જવાબ દીધો કે, “નમો અરિહંતાણમ - નમો અરિહંતાણમ - બ્રાહ્મણવર્ય ! આ મંદિર કોનું છે, એ પ્રશ્ન તમે શા માટે કર્યો? જેમના નામનો ઉચ્ચાર પણ મારા મુખેથી કરી ન શકાય, તે વામમાર્ગી કાલિકાના ભક્તોનું એ મંદિર છે. એમાં દેવીની જે મૂર્તિ છે, તેને ચંડિકેશ્વરીના નામથી ઓળખવામાં આવે છે, અને એ દેવીના મુખ સામે આવેલા કુંડમાં પ્રત્યેક મંગળવારે અનેક પશુઓનું રક્ત શોણિત રેડાય છે.” એમ કહીને સિદ્ધાર્થકે એક દીર્ઘ નિઃશ્વાસ નાંખ્યો અને સ્તબ્ધ બની ગયો. એટલે ચાણક્યે વળી કહ્યું કે, “ખરેખર સિદ્ધાર્થક! આ પશુહત્યા બંધ થઈ જાય, તો ઘણું જ સારું થાય; પરંતુ ભગવતી અંબિકાની ઉપાસના કરવામાં એથી કશો પણ પ્રત્યવાય આવી શકે તેમ નથી. હું શિવભક્ત છું, માટે અનાયાસે થનારા આ અબિકાનાં દર્શનનો લાભ મારે લેવો જ જોઈએ. તું અહીં જ ઉભો રહેજે – હું દર્શન કરીને હમણાં જ પાછો આવી પહોચું છું.”

ચાણક્યનો એ મંદિરમાં જવાનો વિચાર સિદ્ધાર્થકને ગમ્યો નહિ. તે તેનો નિષેધ પણ કરવાનો હતો; પણ એટલામાં તો ચાણક્ય મંદિરના દ્વારમાં પ્રવેશ કરીને અંતર્ભાગમાં પણ પહોંચી ગયો. સિદ્ધાર્થક પોતે તો પ્રાણ જતાં પણ મંદિરમાં પ્રવેશ કરે, એમ હતું જ નહિ – અર્થાત્ તે ચાણક્યના આવવાની વાટ જોતો માર્ગમાં જ ઊભો રહ્યો.

એક પ્રહરનો તૃતીય ભાગ વહી ગયો, તોપણ ચાણક્ય પાછો ફર્યો નહિ. સિદ્ધાર્થકથી એ મંદિરમાં પ્રવેશ કરી શકાય તેમ હતું નહિ, અને એ બ્રાહ્મણ નગરમાં નવો જ આવેલ હોવાથી તે આવે ત્યાં સુધી તેને મૂકીને જવાય તેમ પણ નહોતું. કારણ કે, “જો હું એને છોડીને ચાલ્યો જઈશ, તો માર્ગમાં એ ક્યાંક ભૂલો પડી જશે અને ગુરુજી પણ મને દોષ આપશે” એવો તેના મનમાં વિચાર આવ્યો, તેથી તે ત્યાં જ ઊભો રહ્યો; પરંતુ ત્રિસંધ્યાનો સમય થયો, તોપણ ચાણક્ય મંદિરમાંથી બહાર નીકળ્યો નહિ.

એ મંદિરને ચારે દિશાએ દ્વારો હતાં, તે દ્વારામાંના કોઈએક દ્વારમાંથી બહાર નીકળીને તે ભૂલો તો નહિ પડ્યો હોય, એવી સિદ્ધાર્થકના મનમાં શંકા આવતાં તેણે મંદિરની આસપાસ ફરીને પ્રદક્ષિણા કરવા માંડી, અને પ્રત્યેક દ્વાર પાસે થોડી થોડી વાર ઊભો પણ રહેતો ગયો; પરંતુ ચાણક્યનું નામનિશાન ક્યાંય પણ જોવામાં આવ્યું નહિ, અંતે સર્વથા નિરુપાય થઈને તેણે પોતાના વિહારનો માર્ગ પકડ્યો, તે કેટલીવાર વાટ જોઈ