પૃષ્ઠ:2500 Varsh Purvenu Hindustan.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.

તારે સ્મરણ કરવું નહિ. મને તારે દૂષિત ન ગણવો અને હું તને દૂષિત નહિ ગણું. મેં સુમાલ્યનો રાજ્યાભિષેક કરેલો છે; માટે હવે હું તેને અમાત્ય રાક્ષસ અને સેનાપતિ ભાગુરાયણની સલ્લાહથી થોડા દિવસ રાજ્ય કાર્યભાર ચલાવવાની આજ્ઞા કરીશ અને મારા અવકાશના તે દિવસો તારા જ સહવાસમાં વ્યતીત કરીશ, પછી તો બસ ને ?” એમ કહીને મુરાદેવીને તેણે છાતીએ લગાડી અને તેનાં નેત્રાશ્રુઓને લૂછી તેના મનનું સમાધાન કર્યું. પુનઃ તે અર્ધ મુરાદેવીને અને અર્ધ પોતાના મનને ઉદ્દેશીને કહેવા લાગ્યો; “આજનો આ કેવો ચમત્કારિક યોગ? જે વેળાએ હું મારાપર કાંઈપણ અરિષ્ટ આવવાના ભયંકર વિચારમાં ઘેરાયલો હતો, તે જ વેળાએ તેવું કાંઈપણ થવાને બદલે જેનો મેં આજ સુધી વિનાકારણ તિરસ્કાર કર્યો હતો, તે મંજુભાષિણી પ્રિયાને મળવાનો મને લાભ થયો. મારી ચિંતાના તો ચૂરેચૂરા થઈ ગયા - એવા વિલક્ષણ અને ભયંકર વિચારોથી વારંવાર મનુષ્ય બિચારા કેવા ગભરાઈ જતા હશે ! અને અંતે તે શોકપૂર્ણ વિચારોનું આનંદમાં પર્યવસાન થતાં તેમને મારા જેવો આનંદ પણ થતો હશે. પરંતુ આજના જેવો શોક અને હર્ષ જો બધાને થતો હોય, તો તો ઈશ્વરની તે કૃપા જ સમજવી જોઈએ.”

મુરાદેવીએ ચમત્કારિક રીતે હાસ્ય કર્યું અને મુખને બીજી દિશામાં ફેરવીને કોપથી કપાળમાં વળ નાંખ્યા, અર્થાત્ તેનો મનોનિર્ધાર જૂદો જ હતો.



પ્રકરણ ૮ મું.
બીજું પગથિયું.

મુરાદેવીએ પોતાની પરિચારિકા દ્વારા સાધારણ ધારણાથી જે પત્ર પાઠવ્યું હતું, તે પત્રનું આટલું બધું સુખાવહ પરિણામ થશે, એવી બીજાઓને તો શું, પણ પરિચારિકા અને મુરાદેવીને પોતાને પણ આશા હતી નહિ. તે પત્રિકા પહોંચાડનારી પરિચારિકા વૃન્દમાલા જ હતી. માત્ર બે જ દિવસ પહેલાં એ જ વૃન્દમાલા પોતાની સ્વામિનીના વર્તન માટે ચિંતાતુર થઈને વસુભૂતિને એ વિશે શો અભિપ્રાય છે, તે પૂછવાને ગઈ હતી. તે વેળાએ વસુભૂતિએ પોતાનો અને મુરાદેવીનો મેળાપ કરાવી આપવાની ઇચ્છા દર્શાવી હતી અને તેના મનને શાંત કરવાનું વચન આપ્યું હતું, એટલે વૃન્દમાલા વસુભૂતિ અને મુરાદેવીનો મેળાપ કેવી રીતે કરાવવો, એના વિચારમાં નિમગ્ન થઈ ગઈ હતી. તેણે પોતાના મનમાં એવી યોજના કરી હતી કે, “સોમવારે મુરાદેવી કૈલાસનાથના દર્શને આવશે, ત્યારે કોઈ