પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ભણતરના ખ્યાલે
૯૯
 


ચંપાએ ચીમનીની વાટ ધીમી કરી. નટુ કહે: “જુઓ તો બાપા, ચંપા તોફાન કરે છે.”

બાપુએ ચંપાને ખખડાવી: “એ ચંપલી ! દૂર બેસ. જો પેલી પેટી પાસે. આ બીજી બત્તી લઈને બેસ. તારા હાથ સખણા નહિ રહે.”

નટુને ઊંઘ આવવા લાગી. આંખો લાલ થઈ. બાપુ કહે: “કેમ નટુ, ઊંઘ આવે છે કે ? એટલું બધું શા માટે ખાય છે ? ચાલ, પાણી આંખે છાંટ જોઈએ; હમણાં ઊંઘ ઊડી જશે.”

નવલ બાપુને લેસન દેવા ગયો ને બાપુએ તે લઈ લીધું. બાપુ કહે: “જુઓ નવલ કેવો હોશિયાર છે ! સૌથી પહેલો છૂટી ગયો. ચાલ રાધા, ઝટ કર તો તારો નંબર બીજો.”

રાધા દોડતી દોડતી પાઠ દેવા આવી એટલે ભૂલ પડી ને બાપુએ એને ધમકાવી: “જો કાચું પાકું કરીને આવી છે. બરાબર ગોખી લાવ.”

રૂખી કહે: “બાપુ, હવે થોડું કાલે કરીશ.”

બાપુ કહે: “કાલે પછી ક્યાંથી થાય ? ને ન આવડે તો નંબર જાય ને ? તારું નામ તો ઊતરવું જ ન જોઈએ.”વાળુ કરી પરવાર્યા. બાપુએ સાદ પાડ્યો: “એ રાધા, કુસુમ, જગુ, રેવુ, ચાલજો મારી સાથે અંતકડી રમવા.” રાધા-કુસુમ એક તરફ ને જગુ-રેવુ બીજી તરફ. બાપુ અડુકદડુકિયા. ખૂબખૂબા અંતકડી ચાલી. પછી કુસુમ કહે: “બાપુ, કાલની વાત હજી અધૂરી છે હો ! નહિ કહો તે નહિ ચાલે.