પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૬
આ તે શી માથાફોડ
 

“પણ આ તીખું ભાવે નહિ એનું શું ?”

“એટલું તીખું ક્યાં છે ?”

“લે, ચાખી જો જરા કેવું તીખું છે.”

“ઊઠ ઊભો થા ! હો સામું બોલવા શીખ્યો છે ! આવાં રૂપાળાં દાળભાત દસ વાગ્યામાં તૈયાર કરી આપીએ છીએ, ત્યારે ભાઈને ભાવતું નથી ! કો'ક બીજી મા હોત તો ખબર પડત !”

“હું તો એમ કહું છું કે આ જરા તીખું લાગે છે ને આ કારેલાનું શાક નથી ભાવતું.”

“આ કોઈને તીખું નથી લાગતું ને તને તીખું લાગે છે ? કારેલાં ય ખાવાં પડે; રાંધ્યું હોય તે કાંઈ નાખી દેવાય ?”

મોહન બિચારો ધીમેધીમે શાક ને રોટલી ખાય છે. તીખી દાળમાં જરા જરા હાથ બોળે છે. બા ચિડાય છે ને કહે છે: “દસ વરસનો ઢાંઢો થયો તો યે દાળ ખાતાં આવડે છે ? ખાશે તો કાં તો આંગળી નહો બોળે ને કાંતો રગેડા ઉતારશે ! સવિતાબેન, આ જુઓ તો ખરાં ! કહે છે કે આ ખાવાનું નથી ભાવતું. ત્યારે મારે નિતનવા મેવા ક્યાંથી લાવવા ?”

“હશે બેન , છોકરું છે. ખાતી વખત શું કામ રોવરાવો છો?”

“એ તો એને હેવા પડ્યા છે ! રોજ કહેશે નથી ભાવતું. શું માણસ સોનું કાપીને ખાતાં હશે?”

“માશી ! તમે ચાખો જોઈએ; એ દાળ તીખી છે કે નહિ ?”