પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૪
આ તે શી માથાફોડ
 

લીલી કહે : “એ દેખાય બાપુ જરાક ઊભા થઈને આપોને ?”

ચંદ્રશેખરનું મન અવલોકનનો જવાબ આપવામાં હતું. તેણે ભ્રમર ચડાવીને કહ્યું “લીલી, હમણાં જાય છે કે નહિ ? મારે લખવું છે.”

લીલી કહે : “બાપુ, આપીને લખોને ?”

ચંદ્રશેખરે નાક ચડાવ્યું ને તાણીને બોલ્યો : “લીલી, જાય છે કે તારી બા પાસે ? મારી ઓફિસમાંથી વઈ જા.”

લીલી કહે : “બાપુ...”

ચંદ્ર કહે : “લીલી ! અરે છો કે રસોડામાં ? આ લીલીને બોલાવે છે કે ? નાહકની માથું ફોડાવે છે. લીલી, જવું છે કે નહિ ? ઝાલીને બહાર મૂકી દઈશ હો !”

લીલી ચીમળાતી ચીમળાતી ચંદ્રશેખર સામે રોષથી જોતી જોતી બહાર ચાલી ગઈ.

: ૩૯ :
દેખે તેવું કરે

એક જ માબાપનાં અને એક જ માળામાં ઊછરેલાં એક જ ડાળે બેઠેલાં પોપટનાં બચચાંને વાઘરીએ પકડ્યાં ને વેચ્યાં; એક કોઈ ખાદાન અમીરને ત્યાં ને બીજું કલાલને ત્યાં.

અમીરના ઘરમાં સુલેહ અને સંપ, હેત અને પ્રીત, માન અને પાન. અમીરને ત્યાંનું અમીરતા શીખ્યું. પાંજરે બેસી મીઠા બોલ બોલે, રૂડી વાણી ઓચરે. કોઈ આવે તો બોલે: