પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
આ તે શી માથાફોડ !
 

પટ કરતો ને ઊંઘી ગયો; બા ઊંઘી ગઈ, બાપા પણ ઊંઘી ગયા.

સાંજ પડી દીવાટણું થયું. વર્ષ દહાડાની વિજુડી રોવા માંડી.

બા કહેઃ “એ વિજુડીએ સાંધ્યું ! આ રોજ તે કેમ ખમાય ?”

માશી કહેઃ “એ તો સાંજ પડે ત્યારે છોકરાં કજિયે ચડે; એમ રોજ અકળાયે કાંઈ છોકરાં ન ઉછેરાય.”

બાપા કહેઃ “કોઈને છોકરાં રાખતાં આવડે તો કે ! જરાક ઘૂઘરો ખખડાવો; પેલી ચૂસણી આપો. છાની કેમ ન રહે ?”

નાની બેન કહેઃ “મોટાભાઈ, તમે શું કામ મૂંઝાઓ છો ? ઈ તો રોજ રોવે છે. બે ઘડી રોઈને એની મેળે થાકી જશે.”

વિજુડી રોતી રહે નહિ. ઘૂઘરો વગાડ્યો પણ સાંભળે ત્યારે ના ? રમકડું બતાવ્યું પણ જુએ ત્યારે ના ? એ તો આંખ ચોળતી જાય ને રોતી જાય.

બાપા કહેઃ “કાલે એને ડૉક્ટરને બતાવવી જોશે.”

બા કહેઃ “ડાક્તર શું કરવાનો હતો, રાંડ કજિયાળી છે એમાં ?”

માશી કહેઃ “આ હજી પહેલું છોકરું થયું છે ત્યાં આ હાલ થાય છે, તો મારી જેમ ચારપાંચ થશે ત્યારે કરશો શું ?”