પૃષ્ઠ:Aa te shi mathafod - Gijubhai Badheka.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૪
આ તે શી માથાફોડ
 

બાને ય હું જાણું છું. નારણિયાએ તો આખી શેરી માથે લીધી છે. ચાલ જઈને ઘઘલાવું.”

જમના ધૂંવાફૂંવા થતી ઝમકુના ઘરે આવી.

“ઝમકુ, એ ઝમકુ ! ક્યાં મૂઈ ! આ તારા નારણિયાને સંભાળજે, નીકર પછી...”

“ભાગ, ભાગ, ભૂંદરી ! નારણિયો-મારો ગભરુ નારણિયો-કોઈને ખશ ન કહે ઈ તારાં રતનાને મારે છે, ખરું ? નહવાદી થા મા, નહવાદી. છાનીમૂની ઘેર જા !”

જમનાનો ક્રોધ ક્યાંઈ માય નહિ. લાંબા હાથ કરી કરીને કાંઈ બાઝી ! ને ઝમકુ પણ એવી જ રીતે લડી.

આખી શેરી એ લડવાડ જોવા ભેગી થઈ. ભવાડો જોઈ સૌ હાંસી કરતાં ઘેર ગયાં. થાકી થાકીને ઝમકુ-જમના છૂટાં પડ્યાં ને પાછાં વળ્યાં.

સવારના બે કલાક નકામાં ગયા. નાહકનો લોહી ઉકાળો થયો ને ક્યાં ગયાં'તાં તો કે' ક્યાંઈ નહિ.

વાત એમ છે કે ઝમકુ ને જમના જાણે એવી કે એકબીજાના માથા ભાંગે એવી. એક તો બન્ને મૂળ વઢકણી હતી ને એમાં બન્નેને દીકરા થયા. ને એના દીકરાઓમાં તે શો શક્કરવાર હોય ? કેવળ માથે જ ચડાવેલા. ને બન્ને માતાને મન એમ કે મારો દીકરો તો ડાહ્યો ને ડમરો, ગભરુ ને બિચારો ! પણ દીકરા એવા કે મલક આખાને પહોંચી વળે. શેરીના છોકરા તો એનાથી આઘા રહે. શેરીની બાઈઓ તો ઝમકુ-જમનાને નવ ગજના નમસ્કાર કરે ! બીજાં એને કોણ પહોંચે ? એ તો ઝમકુ જમનાને જમના ઝમકુને પહોંચી વળે.