આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ
બહેરામજી મલબારી
રાજા રાણા ! અક્કડ શેંના ?
વિસાત શી તમ રાજ્ય તણી
કઈ સત્તા પર કૂદકા મારો ?
લાખ કોટિના ભલે ધણી
લાખ તો મૂઠી રાખ બરાબર
ક્રોડ છોડશે સરવાળે
સત્તા સૂકા ઘાસ બરાબર
બળી આસપાસે બાળે
ચક્રવર્તી મહારાજ ચાલિયા
કાળચક્રની ફેરીએ
સગાં દીઠાં મેં શાહ આલમનાં
ભીખ માગતાં શેરીએ
ક્યાં છે રાજ્યરાજન આગળનાં
દિવ્ય કહું જે દેવસ્થાન
શોધ્યાં ન મળે સ્થાનદશા કે
ન મળે શોધ્યાં નામનિશાન
લેવો દાખલો ઈરાનનો જે
પૂર્વ પ્રજામાં પામ્યું માન
ચોગમ જેની ધજા ઊડી રહી
રૂમ શામ ને હિન્દુસ્તાન
હાલ વ્હીલું વેરાન ખંડિયેર
શોક સાડી શું પહેરી એ
સગાં દીઠાં મેં શાહ આલમનાં
ભીખ માગતાં શેરીએ