લખાણ પર જાઓ

પૃષ્ઠ:Adhunik Bhakti Pado and Kavitao.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ક્યાં જમશેદ ફરેદુન ખુશરો
ક્યાં અરદેશર બાબેગાન
રૂસ્તમ જેવા શૂરવીર ક્યાં
નહિ તુજને મુજને તેનું ભાન
ખબર નહિ યુનાની સિકંદર
કે રૂમી સીઝર ક્યાં ગૂમ
અવનિ કે આકાશ કહે નહિ
ભલે ભવ સારો મારો બૂમ
હશે કહિંક તો હાથ જોડી
ઊભા કિરતાર કચેરીએ
સગાં દીઠાં મેં શાહ આલમનાં
ભીખ માગતાં શેરીએ
રામ કૃષ્ણ નરસિંહ પરશુરામ
દશ અવતાર થયા અલોપ
વિક્રમ જેવા વીર રાજનો
ખમે કાળનો કેવો કોપ
ક્યાં મહમદ ગઝની ક્યાં અકબર
રજપુત વીર શિવાજી ક્યાં
રાજપાટના ધણી ધુરંધર
આજ યુદ્ધની બાજી ક્યાં
રાજમહેલમાં ઢોર ફરે ને
કબર તો કૂતરે ઘેરી એ
સગાં દીઠાં મેં શાહ આલમનાં
ભીખ માગતાં શેરીએ
ક્યાં નેપોલિયન ચીલઝડપિયો
જીત્યા પૂરવ પશ્ચિમ ખંડ
અતિલોભનો ભોગ બિચારો
અંતે વલખા મારે પંડ