પૃષ્ઠ:Adhunik Bhakti Pado and Kavitao.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સુણ્યાં પરાક્રમ એવાં બહુ બહુ
સ્વપનાં કે સાચે ઈતિહાસ
નહિ સમજાતું નિશ્ચયપૂર્વક
ઊડી ગયા જ્યાં શ્વાસોચ્છ્‌વાસ
વિજયરૂપી એ સડો શું લાગ્યો
વિજયવાયુ બહુ ઝેરી એ
સગાં દીઠાં મેં શાહ આલમનાં
ભીખ માગતાં શેરીએ
ક્યાં ગઈ ફૂટડી ક્લિયોપેટ્રા
ક્યાં છે એન્ટની સહેલાણી
જંતુ ખાય કે વળગે જાળાં
ભમરા કીટ કહે કહાણી
કબર ગીધડાં ખણે ખોતરે
શિયાળ સમાધિ પર બેસે
સંત શરમથી નીચું જુએ
મહારાજા કોને કહેશે
રાજ્યપતિ રજકણથી નાનો
છે આયુષ આખેરીએ
સગાં દીઠાં મેં શાહ આલમનાં
ભીખ માગતાં શેરીએ
દીઠાં સ્મારકસ્થાન ઘણાંએ
કીર્તિકોટ આકાશ ચડ્યા
ખરતાં ખરતાં પથ્થર બાકી
ચૂના માટીએ જકડ્યા
દિલ્હી આગ્રા કનોજ કાશી
ઉજ્જૈન ઉજ્જ્વળતા નાસી
રૂમ શામ ને ઈરાન ઉજ્જડ
રડે ગળામાં લઈ ફાંસી