આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
તવારીખનાં ચિહ્ન ન જાણે કાંઈ
જાણે બધી મશ્કરી એ
સગાં દીઠાં મેં શાહ આલમનાં
ભીખ માગતાં શેરીએ
દીઠાં અયોધ્યા બેટ દ્વારિકા
નાથદ્વાર ને હરદ્વારી
ઘરને આંગણે સુરત દેખતાં
છાતી ધબકે છે મારી
ગુર્જરગિરિ સૌરાષ્ટ્ર હાલ શાં
હાય કાળના કાળા કેર
દખ્ખણને દુઃખમાં દેખી
શત્રુ આંખ વિષે પણ આવે ફેર
હજી જોવી શી બાકી નિશાની
રહી રે વિનાશ કેરી એ
સગાં દીઠાં મેં શાહ આલમનાં
ભીખ માગતાં શેરીએ
કોટી ગણાં તુંથી મોટા તે
ખોટા પડી ગયા વિસરાઈ
શી તારી સત્તા રે રાજા
સિંહ સમીપ ચકલી તું ભાઈ
રજકણ તું હિમાલય પાસે
વાયુ વાય જરી જોર થકી
ઈશ્વર જાણે ઊડી જશે ક્યા
શોધ્યો મળવાનો ન નકી
શક્તિ વહેમ સત્તા પડછાયો
હા છાયા રૂપેરી એ
સગાં દીઠાં મેં શાહ આલમનાં
ભીખ માગતાં શેરીએ