આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
દ્રવ્ય મટોડું હિંમત કુમતિ
ડહાપણ કાદવનું ડહોળું
માનપાન પાણી પરપોટો
કુળ અભિમાન કહું પોલું
આગળ પાછળ જોને રાજા
સત્તાધિશ કે કોટિપતિ
રંક ગમે એવો દરદી પણ
મરશે નહિ તે તારી વતી
ભૂલાઈ જવું મરવે એ બહુ
દુઃખ સર્જ્યું કાળ નમેરી એ
સગાં દીઠાં મેં શાહ આલમનાં
ભીખ માગતાં શેરીએ
કુલીન કુળમાં કજાત પુત્રો
પ્રગટ દિસે આ દુનિયામાં
બળિયા વંશજ જુઓ બાયલા
રોગી નિરોગીની જગ્યામાં
સૃષ્ટિનિયમ ફરતું ચક્કર એ
નીચેથી ઊપર ચઢતું
ચઢે તે થકી બમણે વેગે
પૃથ્વી પર પટકાઈ પડતું
શી કહું કાળ અજબ બલિહારી
વિદુરમુખી તુજ લહેરી એ
સગાં દીઠાં મેં શાહ આલમનાં
ભીખ માગતાં શેરીએ