પ્રવચનસાર
સુર -અસુર -નરપતિવંદ્યને, પ્રવિનષ્ટઘાતિકર્મને,
પ્રણમન કરું હું ધર્મકર્તા તીર્થ શ્રી મહાવીરને; ૧.
વળી શેષ તીર્થંકર અને સૌ સિદ્ધ શુદ્ધાસ્તિત્વને,
મુનિ જ્ઞાન -દ્રગ -ચારિત્ર -તપ -વીર્યાચરણસંયુક્તને. ૨.
તે સર્વને સાથે તથા પ્રત્યેકને પ્રત્યેકને,
વંદું વળી હું મનુષ્યક્ષેત્રે વર્તતા અર્હંતને. ૩.
અર્હંતને, શ્રી સિદ્ધનેય નમસ્કરણ કરી એ રીતે,
ગણધર અને અધ્યાપકોને, સર્વસાધુસમૂહને; ૪.
તસુ શુદ્ધદર્શનજ્ઞાનમુખ્ય પવિત્ર આશ્રમ પામીને,
પ્રાપ્તિ કરું હું સામ્યની, જેનાથી શિવપ્રાપ્તિ બને.૫.
સુર -અસુર -મનુજેન્દ્રો તણા વિભવો સહિત નિર્વાણની
પ્રાપ્તિ કરે ચારિત્રથી જીવ જ્ઞાનદર્શનમુખ્યથી. ૬.
ચારિત્ર છે તે ધર્મ છે, જે ધર્મ છે તે સામ્ય છે;
ને સામ્ય જીવનો મોહક્ષોભવિહીન નિજ પરિણામ છે. ૭.
જે ભાવમાં પ્રણમે દરવ, તે કાળ તન્મય તે કહ્યું;
જીવદ્રવ્ય તેથી ધર્મમાં પ્રણમેલ ધર્મ જ જાણવું. ૮.
શુભ કે અશુભમાં પ્રણમતાં શુભ કે અશુભ આત્મા બને,
શુદ્ધે પ્રણમતાં શુદ્ધ, પરિણામસ્વભાવી હોઈને. ૯.
પરિણામ વિણ ન પદાર્થ, ને ન પદાર્થ વિણ પરિણામ છે;
ગુણ -દ્રવ્ય -પર્યયસ્થિત ને અસ્તિત્વસિદ્ધ પદાર્થ છે. ૧૦.