આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
એક ઊભો હું
ન્યાળતો લીલા રે
મારી કોર ઠેરવી આંખ્યો
ઝાંખ્યો કે નવ રે ઝાંખ્યો ?
હું જાણું, કાળવી જાણે,
કોઈ ત્રીજું જણ કાંઈ ન જાણે રે
કાળી ! મર હોય એ કાળી
મેં તો બસ આંખડી ન્યાળી
બીજું કાંઈ ન્યાળવું નો'તું
આંખ બે કાળી
હરણાંવાળી રે
આંજ્યા વિણ આંખ બે કાળી રે
ગામનાં માણસ મૂરખાં રે
એને કાળવી કે'તા રે
હું કહેતો કૃષ્ણકળી, કૃષ્ણકળી
કૃષ્ણકળી રે
હરિની કૃષ્ણકળી રે
એવો જગ જેઠ બેઠો ને
મેવલો બેઠો આભ ઈશાને રે
એવી આષાઢની બાદલ-છાંયડી
કાળી રાવટી તાણે રે
એવી કોઈ શ્રાવણી રાતે
દિલ એકાએક
ડોલવા લાગે રે