આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
એવી એક કાળવી કેરાં
કાજળ-ઘેરાં સ્મરણાં જાગે રે
ગામનાં લોકો કાળવી કો'
દિલ ચાય તે કે'જો રે
હું તો કહું કૃષ્ણકળી, કૃષ્ણકળી
કૃષ્ણકળી રે
હરિની કૃષ્ણકળી રે
માથે કાંઈ ઓઢણી નો'તી
વેળા લાજવાનીય નો'તી
બીજું કાંઈ ન્યાળવું નો'તું
બસ દીઠી બે આંખડી કાળી રે
કાળી કાળી મેઘની છાયા હેઠ
મેં દીઠી આંખ બે કાળી રે
કાળી કાળી હરણાંવાળી રે
ગામનાં માણસ મૂરખાં રે
એને કાળવી કે'તા રે
હું કહેતો કૃષ્ણકળી, કૃષ્ણકળી
કૃષ્ણકળી રે
હરિની કૃષ્ણકળી રે