આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
જનાવરની જાન
નવલરામ પંડ્યા
જાન જનાવરની મળી મેઘાડંબર ગાજે;
બકરી બાઈનો બેટડો પરણે છે આજે.
ઢોલ, નગારાં, ભેર ને સૂર શરણાઈ તીણા;
સો સાબેલા શોભીતા બેટા-બેટી ઘેટીના.
ઠીક મળી ઠઠ લોકની જરા ઠામ ન ઠાલો;
દોડે વરનો બાપ ત્યાં દડબડ દાઢી વાળો.
સાજનનું શું પૂછવું? બકરે કરી જોરો,
ભેગાં કર્યાં છે ભાવથી મોટાં મોટાં ઢોરો.
રાતા માતા આખલા, રાખી શિંગડાં સીધાં,
આગળ માર્ગ મુકાવતા, પદ પોલીસ લીધાં.
સાજને શ્રેષ્ઠ જ ઊંટડા, હીંડે ઊંચી ઓડે,
એનાં અધારે વાંકડાં, કામદારોને ગોડે.
હારમાં એકબે હાથી છે, મોટાં દાંત જ વાળા,
નીચે ન્યાયીને ડોલતા, હીંડે શેઠ સૂંઢાળા.
હાથી ઘોડા તો છે ઘણા; હાર રોકતા પાડા;
કાળા, કઢંગા ને થયા ખડ ખાઈ જડ જાડા.