પૃષ્ઠ:Akbar.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯
હિંદુસ્તાનમાં બાબરની સ્થિતિ.


તે બધો દારૂ પીવાને નાલાયક બનાવ્યો અથવા તો ઢોળી દેવરાવ્યો. તેના અમીરોમાંથી ત્રણસેં જણાઓ તેને પગલે ચાલ્યા.

આખરે જ્યારે તેને એમ લાગ્યું કે આમને આમ વધારે ટકી રહેવું અસંભવિત છે ત્યારે બારમી માર્ચ તે શત્રુઓની તરફ બે માઈલ આગળ વધ્યો, વળી થોભ્યો, અને બીજે દિવસે વળી લડાઈને માટે પસંદ કરી રાખેલી એક જગા સુધી તે આગળ વધ્યો. અહીંયાં તેણે લડાઈને માટે લશ્કર ગોઠવ્યું. સોળમી તારીખે રજપૂતો અને તેમના સહાયકો આગળ આવ્યા, અને લઢાઈ જાગી. બાબરે પોતાની તવારીખમાં આ લઢાઈનો એક આબેહુબ અને બેશક યથાર્થ ચિતાર આપ્યો છે. અહીંયાં તો એટલુંજ લખવું બસ છે કે તેને એવી તો પાકી જીત મળી કે બીજે દિવસે સવારમાં આખું રજપૂતાના એના પગમાં પડ્યું. તે એકદમ બીયાના તરફ ધસ્યો. ત્યાંથી મેવાડ તરફ ગયો અને એમ આખો મુલક તાબે કર્યો. વળી તેની આ ફતેહની અસર તેણે જીતેલી લડાઈઓમાંજ અટકી નહિ. દુઆબમાં જે શહેરો એની સામાં થયાં હતાં તેમાંના કેટલાક પોતાની મેળે નમ્યાં બાકીનાંને તેણે નમાવ્યાં. જ્યારે દુઆબ બરોબર શાન્ત થયો ત્યારે ચંદેરીના રાજાને સરદાર માનતાં મધ્ય હિંદુસ્તાનના રજપૂત રાજાઓની સામે તેણે હથીઆર બાંધ્યાં. જ્યારે ચંદેરીના કીલ્લા આગળ તે આવ્યો ત્યારે તેને એવા સમાચાર મળ્યા કે પૂર્વ તરફ મોકલેલા તેના સરદારોને લખનૌથી કનોજ ઉપર પાછા ફરવાની જરૂર પાડવામાં આવી હતી. આ સમાચાર અગત્યના છે એમ કબુલ કર્યા છતાં પણ એ ડગ્યો નહિ અને ચંદેરીનો ઘેરો ખંતથી ટકાવી રાખી થોડા દિવસમાં હલ્લો કરીને એ કિલ્લો સર કર્યો. આસપાસના મુલકને વશ કરીને તેણે પૂર્વ તરફ દડમજલ કુચ કરી. કનોજ આગળ તેના પરાજય પામેલા સરદારોને મળ્યો. ત્યાં આગળ ગંગા નદી ઉપર એક પુલ નાંખી લોદી પક્ષવાળા રહ્યા સહ્યા શત્રુઓને નસાડ્યા; લખનૌનો ફરીથી કબજો કર્યો, ગોમતી અને ઘોઘરા નદી ઓળંગી અને નિસ્તેજ થયેલા શત્રુઓને વિખરાઈ જવાની જરૂર પાડી. પછી તે આગ્રે આવ્યો અને રાજ્ય વ્યવસ્થાની ગોઠવણ જ્યાંથી મૂકી હતી ત્યાંથી પાછી હાથમાં લીધી.