એક પછી એક બીનાઓનાં પરિણામ જલદીથી આવવા લાગ્યાં. સતલજ ઉપર મચ્છીવાડા આગળ સિકંદરશાહના સરદારોને બેરામખાંએ હરાવ્યા અને પછી સરહિંદ ઉપર ચાલ્યો. સિકંદર, એને ત્યાં આગળ કચરી નાંખવાની આશાએ પુષ્કળ બળની સાથે તે જગ્યા ઉપર ગયો. બેહરામ પોતાની મજબુતી કરીને પડી રહ્યો, અને મદદને માટે હુમાયૂંને લખ્યું. હુમાયૂંએ જુવાન અકબરને મોકલી દીધો અને થોડા દિવસ પછી પોતે પણ અનુસર્યો. તેઓ આવી પહોંચે ત્યાર પહેલાં સિકંદર પહોંચ્યો હતો પણ હુમલો કરતાં તે અચકાયો. આમ અચકાયાથી તેને નુકસાન થયું. હુમાયૂં આવ્યો કે તરતજ તેણે એક મોટી લડાઈમાં ઝંપલાવ્યું. તેમાં તેની પાકી ફતેહ થઈ. સિકંદરશાહ સિવાલીકના પર્વતમાં નાઠો અને હુમાયૂં પોતાના વિજયી સૈન્યની સાથે દિલ્હી ઉપર ચઢ્યો. તા. ૨૩ મી જુલાઈને દિવસે તેણે દિલ્હી સર કર્યું અને એક ટુકડીને રોહિલખંડ ઉપર ધાડ પાડવા અને બીજીને આગ્રાનો કબજો કરવાને સારૂ મોકલી. પંજાબ સર કરવાને માટે અબુલમાલીને તેણે પ્રથમથી જ મોકલ્યો હતો.
પણ એનાં સંકટો હજી પૂરાં થયાં નહતાં. મહમદશાહ અદેલનો સેનાધિપતિ અને મુખ્ય પ્રધાન હેમુ વાયવ્ય પ્રાંત ઉપર હુમલો કરનાર બંગાળાની ગાદીના જુઠા હકદારને યમુના ઉપર કાલ્પી અગાડી હરાવીને દિલ્હી ઉપર ચઢી આવવાની તૈયારી કરતો હતો. સરહિંદ અગાડી હારેલો સિકંદરશાહ પણ પંજાબમાં કાંઈક ચેતનનાં ચિન્હ બતાવવા લાગ્યો હતો. આ બધાં સંકટોની સામે હુમાયૂંએ પંડે દિલ્હી રહેવાનો ઠરાવ કર્યો અને બેરામખાંને અતાલીક અથવા સલાહકાર તરીકે નીમીને અકબરને પંજાબમાં બંદોબસ્ત કરવા સારૂ મોકલ્યો.
પહેલાં આપણે અકબરે શું કર્યું તે જોવું જોઇએ. ૧૫૫૬ ના જાન્યુઆરીની શરૂવાતમાં તે શાહજાદો સરહિંદ પહોંચ્યો. ત્યાં આગળ પોતાના પિતાની મહેરબાનીના માણસ અબદુલ માલીના ગર્વથી કંટાળેલા કેટલાક અમીરો તેને મળ્યા અને પીલોર અગાડી સતલજ નદી ઓળંગી કાંગરા જીલ્લામાં આવેલા સુલતાનપુર ઉપર સવારી કરી. અને ત્યાંથી સિકંદરશાહની