પૃષ્ઠ:Akbar.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
અકબર


જેવીજ સત્તાનો અમલ કરતા. પણ બાદશાહની મરજી મુજબ તેઓની એકથી બીજે ઠેકાણે બદલીઓ થઈ શકતી.

આજ રીતે બાદશાહી લશ્કર પણ બાદશાહની જીવાઈદારોનુંજ બનેલું હતું. અને તેમની સંખ્યામાં તેના સામંતો અને ખંડીયા રાજાઓના જીવાઈદારોથી તથા સર કરેલા ઇલાકાઓની વતની ટોળીઓથી ઉમેરો થતો હતો.

બાબર તેમજ તેના શાહજાદાનું રાજ્ય શુદ્ધ સ્વાયત્તસિદ્ધિનું હતું. રાજ્યનિયંત્રણ વિનાની સંસ્થાઓનું તો નામ પણ નહોતું. એક બાદશાહે પસાર કરેલા કાયદાઓ બીજો બાદશાહ રદ્દ કરી શકતો. સર્વત્ર અહંતા ઉત્કટપણે દેખાતી, ફતેહમંદ ફિતુર સિવાય બાદશાહની મરજી ઉપર બીજો દાબ નહતો. પણ જો બાદશાહો સમર્થ હોય તો ફિતુરની ફતેહ કેવળ અશક્યજ હોય.

હવે બાબરે હિંદુસ્તાનના જે ભાગો જીત્યા એ ભાગોમાં ચાલતી રાજ્યનીતિ તત્વ વિચારતાં ઉત્તરના દેશમાં જે નીતિનો એને પરિચય હતો, તેના કરતાં જરા પણ જૂદી નહતી. એ તંત્ર ફેરવવા તરફ તેનું લક્ષ હોત તોપણ એને વખત નહતો. એના ઉત્તરાધિકારીને વખત ન હતો તેમ મન પણ નહતું. એના મરણ પહેલાં જે તંત્ર એણે વિચાર કરીને ઘડી કહાડ્યો હતો તે હિંદુસ્તાનમાં ચાલતા આવેલા તંત્રથી મુદ્દાની વાતમાં જરા પણ આગળ વધેલો નહતો. એણે એના રાજ્યના છ મોટા વિભાગ કરવાનો અને દિલ્હી, આગ્રા, કનોજ, જુઆનપુર (પાંડુ) અને લાહોર એ એમનાં મુખ્ય મથકો બનાવવાનો વિચાર કર્યો હતો. આ બધાં શહેરોમાં એક વિશ્વાસુ સેનાપતિના હાથમાં મોટાં લશ્કરી થાણાં રાખવાનાં હતાં. આ લશ્કરો એવાં જબરાં રાખવાનાં હતાં કે કોઈને બીજાની મદદની જરૂર ન રહે. અને બાદશાહે આ બધા વિભાગોની વારાફરતી બાર હજાર ઘોડેસ્વારોની સાથે મુલાકાત લેવાની અને સ્થાનિક લશ્કરોને તપાસવામાં અને દરેક વિભાગની સામાન્ય સ્થિતિનું અવલોકન કરવામાં આમને એકત્રિત કરવાના. આ યોજના ખામીઓની ભરેલી હતી. પોતાના સેનાપતિઓ કરતાં બાદશાહ હમેશાં વધારે સમર્થ હોય તો પણ રાજ્યવ્યવસ્થાની આ રીત ખોટીજ કહેવાય. પણ જો એ ઓછો શક્તિમાન હોય તો તો આ તંત્ર એક વરસ પણ ચાલે નહિં.