પૃષ્ઠ:Akbar.pdf/૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અકબર


નાંખવાની જ હતી. બેશક જીતેલા મુલકને નિર્ભય કરવાને માટે તે ઉત્તમોત્તમ યોજના હતી. પણ છુટાછવાયા બધા ઇલાકાઓને અને ત્યાંના લોકોને સુસંબદ્ધ એકમય કરવાની કોઈ પણ યુક્તિનો આમાં અભાવ હતો.

જે અકસ્માતથી–પાણીપતની બીજી લડાઈ પહેલાં હુમાયુની જીંદગી ગઈ અને તે વખતે ચૌદ વર્ષના બાળક શાહજાદા અકબરને બાબરના રાજ્યનો ઉત્તરાધિકાર મળ્યો તે અકસ્માત આ વખતે દરેક રીતે હિંદુસ્તાનને શુભકારી હતો. હુમાયુ તેની આ દેશમાંથી લાંબા વખતની ગેરહાજરીમાં અને નશીબની સાથે તરફડીયાં મારવામાં ગાળેલાં આટલાં બધાં વર્ષોમાં નવું કાંઈ શીખ્યો નહતો તેમજ જુનું કાંઈ વિસર્યો નહતો. આ કુમાર જેને એનો અધિકાર મળ્યો અને જેણે હજી કોમળ વયનો છતાં પણ કોઈ સાધારણ માણસને આખી જીંદગી પર્યંત ચાલે તેટલાં સાહસો અનુભવ્યાં હતાં તથા નશીબના અનેક રંગો જોયા હતા, તેનામાં શું છે તે હજી જણાયું નહતું. તે અણકસાયેલો હતો. એની હજુરમાં અલબત એવો એક માણસ હતો કે જે તે વખતમાં સર્વોત્કૃષ્ટ લશ્કરી અમલદાર ગણાતો, પણ તેને રાજ્યનીતિનો ખ્યાલ તો તેને સોંપેલા આ સગીર વયના શાહજાદાના પિતાની અણધડ નિશાળમાંજ થયો હતો. આ શાહજાદામાં બીજી કેટલીક મોટી શક્તિઓની સાથે યોજનાશક્તિ પણ હતી. પોતાના નામજાદા સરદારને તેણે જે થોડાં વર્ષો પોતાને નામે રાજ્ય ચલાવવા દીધું તેટલા વખતમાં પાછળના બધા રાજ્યવંશો શા કારણથી નશ્વર થયા અને શેને લીધે જમીનમાં મૂળની પેઠે ચોંટતાં અટક્યા તેના ઉપર ઉંડો વિચાર કર્યા કર્યો. જ્યારે પોતાની યોજનાઓ પાકી થઈ ત્યારે તેણે રાજ્યસૂત્ર હાથમાં લીધું અને એક વંશ સ્થાપ્યો. આ વંશ તેણે પાડેલા રસ્તાને વળગી રહ્યો ત્યાં સુધી આબાદ થયે ગયો અને સમાનભાવ અને સમાધાની જે તે રસ્તાના મુખ્ય ધોરણોમાંનું એક હતું તે ધોરણ જ્યારે ઉંચું મૂક્યું ત્યારેજ તેની પડતી થવા માંડી.

હું ધારૂં છું કે ઉપરનાં ટાંચણમાં મેં વાંચનારને સ્પષ્ટ બતાવી આપ્યું છે કે એક રીતે હિંદુસ્તાનમાં મુઘલ વંશનો સ્થાપનાર બાબર હતો પણ તેના ઉત્તરાધિકારીને તો તેણે વિજયાસક્તિજ વારસામાં આપી હતી. નક્કીજ