પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૩


કરીએ તોપણ આપણને જણાશે કે આપણે મજુરી કરીને જ આપણું પોષણ કરવાનું છે. શીરીનને ખાતર ફરહાદે પથ્થર ફોડ્યા. મજુરોની શીરીન તેઓની ટેક છે, તેને ખાતર મજુરો પથ્થર કેમ ન ફોડે ? સત્યને ખાતર હરિશ્ચન્દ્ર વેચાયા ! પોતાના સત્યને ખાતર મજુરો મજુરી કરવામાં દુઃખ હોય તો તેટલું દુઃખ સહન ન કરે ? ટેકને ખાતર ઇમામ હસન અને હુસેને ભારે દુઃખો ઉઠાવ્યાં. ટેક રાખવા સારૂ આપણે કેમ મરવાને પણ તૈયાર ન રહીએ? આપણને ઘેર બેઠાં પૈસા મળે ને આપણે લડીએ તો આપણે લડ્યા એમ કહેવું ખોટું ગણાય. એટલે અમારી ઉમેદ છે કે દરેક ભાઈ પોતાની ટેક જાળવવા સારૂ મજુરી કરી પોતાનું પેટ ભરશે ને દૃઢ રહેશે. આ લડત લંબાશે તો આપણી નબળાઇથી. જ્યાં સુધી મીલમાલિકો માનશે કે મજુરો મજુરી નહિ કરે ને છેવટે પડી તો જશે જ, ત્યાં સુધી તેઓને દયા નહિ છૂટે ને તેઓ સામે રહ્યા કરશે. મજુરો કદિ પોતાની હઠ છોડવાના જ નથી એવી ખાત્રી તેઓને નહિ થાય ત્યાં સુધી તેઓને દયા નહિ આવે ને તેઓ પોતાનો નફો જતો કરીને સામે રહ્યા કરશે. મજુરો પોતાની ટેક ગમે તેમ કરતાં નહિ છોડે એવું તેઓને ચોક્કસ લાગશે ત્યારે તેઓને દયા આવશે જ ને ત્યારે તેઓ મજુરોને વધાવી લેશે. આજે તો તેઓ એમ માને છે કે મજુરો મજુરી તો નથી જ કરવાના; એટલે આજકાલ પડશે. જો મજુરો પારકા પૈસા ઉપર પોતાની આજીવિકાનો આધાર રાખે તો માલિકો વિચારી લેશે કે એ પૈસા કોઈ દહાડો તો ખૂટશે જ. એમ જાણી