પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪


તેઓ મજુરોને દાદ નહિ આપે. મજુરો જેની પાસે ખાવાનું સાધન નથી તેઓ મજુરી કરતા થઈ જશે તો માલિકો સમજશે કે જો તેઓ ઝટ ૩૫ ટકા નહિ આપે તો મજુરોને ખોઇ બેસશે. આમ લડતને ટૂંકી કરનાર તેમ જ લંબાવનાર આપણે જ છીએ. વધારે દુઃખ હમણાં જ સહન કરીને વહેલા છુટકારો મેળવી શકીએ. દુઃખ સહન ન કરીએ તેમ લડત લંબાવાની જ. આ બધા વિચાર કરી જેઓ નબળા થયા છે તેઓ સબળા થશે એવી અમારી ઉમેદ છે.

ખાસ સૂચના

કેટલાક મજુરો એમ સમજ્યા છે કે જેઓ નબળા થયા છે તેઓને સબળા થવા સમજાવી શકાતા નથી. આ સમજ તદ્દન ગેરવાજબી છે. જેઓ કંઇપણ કારણથી નબળા પડ્યા હોય તેઓને વિનયપૂર્વક સમજાવવા એ તમારૂં ને અમારૂં બધાનું કામ છે. જેઓ લડત નથી જાણતા તેઓને જ્ઞાન દેવું એ પણ આપણું કામ છે. અમારૂં તો એમ કહેવું છે કે આપણે કોઇને ધમકી દઇને, જુઠ્ઠું બોલીને, મારીને, બીજો કંઇપણ દાબ મુકીને રાખવાના નથી. જેઓ સમજાવ્યા ન સમજે તેઓ કામપર જાય તેથી આપણે તદ્દન નીડર રહેવાનું છે, અને એક માણસ પણ બહાર રહ્યો હશે તેનો અમે કોઇ પણ કાળે ત્યાગ નથી કરવાના.