પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૫
 


ખરો હેતુ નફો મેળવવાનો છે. આ હેતુ ધ્યાનમાં રાખીને જ તેમાં મજુરો રોકવામાં આવે છે. અને તેથી, મજુરોને રોકવાનું કાર્ય તથા તેમને કેવી શરતે રોકવા તે, મજુરોની પ્રવીણતાને લક્ષમાં લીધા બાદ, ફક્ત ખ૫ અને છત ( Supply and Demand ) ના ધોરણથી જ નક્કી કરવામાં આવે છે, અને તેમજ થવું જોઇએ. આખા જગતમાં બધે ઠેકાણે આ ધોરણસર કાર્ય થાય છે એમ કહેવાની અમે રજા લઈએ છીએ. અમારા જાણવા મુજબ કોઈપણ ઠેકાણે મૂડીવાળાઓ તથા મજૂરવર્ગને પરસ્પર સંબંધ મિ○ બૅન્કરના હકીકતપત્રમાં જણાવેલી પદ્ધતિસર નક્કી થયો નથી; અને તેમ ન થવામાં સ્પષ્ટરીતે ડહાપણ રહેલું છે. તેમણે બતાવેલી પદ્ધતિનું સ્વરૂપ જ અસંભવિત, અસાધ્ય અને સ્વપ્નતુલ્ય છે. તે થોડેઘણે અંશે ‘યુટોપીયા’ને માટે છે. તે આ જગતમાં, આ દેશ કે આ શહેરને માટે વ્યાવહારિક નથી.

(૨) વળી આ હકીકતપત્ર નિરાશાજનકરીતે ખોટા તર્ક પર રચાયેલું છે. દાખલા તરીકેઃ—

૧ એજન્ટોના કમિશનમાં વધારો

સૌ કોઈ જાણે છે કે અમદાવાદ શહેરમાં મીલના કાર્યવાહકોને તથા એજન્ટોને પદ્ધતિસર કમિશન મળે છે. એક પદ્ધતિ પ્રમાણે તૈયાર થયેલા દર પાઉન્ડે ત્રણ પાઈ પ્રમાણે કમિશન આપવામાં આવે છે. આ પદ્ધતિ ઘણે ઠેકાણે ચાલે છે. બીજી પદ્ધતિ પ્રમાણે વેચાણ થયેલા માલની કિંમત પર સેંકડે ૩ થી ૪ ટકા કમિશન મળે છે. ખરું જોતાં આ બન્ને