પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



(૪)

પોતાના ઉપવાસ વિષે ગાંધીજીના ખુલાસો



મને લાગે છે કે મારે મારા છેલ્લા ઉપવાસ વિષે પ્રજા આગળ ખુલાસો કરવો જોઇયે. કેટલાક મિત્રો મારું આ પગલું નાદાનીભરેલું લેખે છે, બીજાઓ નામર્દાઈવાળું માને છે અને બીજા કેટલાક વળી તેથી પણ વધારે ખરાબ ગણે છે. પરંતુ હું તો એમ માનું છું કે જો મેં આ પગલું લીધું ન હોત તો હું મારા કર્તાને અને હાથધરેલા કાર્યને બેવફા થયો હોત.

એકાદ માસ ઉપર હું મુંબઈ ગયો હતો. તે વખતે મને એમ કહેવામાં આવ્યું હતું કે મરકીને વખતે જે બોનસ અમદાવાદના મીલમજુરોને આપવામાં આવતો હતો તે જો અપાતું બંધ કરવામાં આવે તો તેઓ હડતાલ પાડે અને ધીંગામસ્તી કરે એવી વકી છે. મને વચ્ચે પડવા કહેવામાં આવ્યું. અને હું તેમ કરવા કબુલ થયો.

મજુરોને ગયા ઑગસ્ટ માસથી મરકીને લીધે ૭૦ ટકા જેટલું બોનસ મળતું હતું. તે બોનસ બંધ કરવાના પ્રયત્નથી મજુરોમાં ભારે અસંતોષ ફેલાયો. મીલમાલિકોએ લગભગ છેલ્લી ઘડીએ, મરકીને લઇ અપાતા બોનસને બદલે, ઘણી મોંઘવારીને સબબે તેઓની મજુરીમાં વીસ ટકાનો વધારો કરી આપવા જણાવ્યું. પરંતુ તેથી મજુરો સંતોષ ન પામ્યા. વાત પંચ ઉપર મુકવામાં આવી અને સરપંચ તરીકે અમદાવાદના કલેક્ટર મિ○ ચેટફીલ્ડ નીમાયા.