પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩


મીલમાલિકોએ ગાંધીજી માટે દયાથી પ્રેરાઇ ગાંધીજીની માગણી સ્વીકારી અને તેથી મજુરોની લડત રસ વિનાની થઇ ગઇ એમ કહેવું પણ બહુ ભુલભરેલું છે. સમાધાની પહેલાં મીલમાલિકાએ જે દલીલો કરી છે, અને એ દલીલો કરવામાં જેટલા દહાડા લીધા છે તે જ બતાવે છે કે મીલમાલિકોએ વગરવિચારે કેવળ દિલના દોલાપણાથી જ મજુરપક્ષની માગણી સ્વીકારી ન હતી. વળી, રા. આનંદશંકરભાઈનો ચુકાદો આવે તે પહેલાં તો મજુરોને ઘણે ઠેકાણે ૩૫ ટકા અને ઘણે ઠેકાણે ૩૫ થી વધુ ટકા મળતા થઇ ગયા હતા. તે પણ બતાવે છે કે મીલમાલિકોને વહેલામોડા ઓછામાં ઓછા ૩૫ ટકા વધારો આપ્યે જ છુટકો હતો. મીલમાલિકો તરફથી પ્રસિદ્ધ થયેલી કેટલીક પત્રિકાઓમાંની છેલ્લી પત્રિકામાં રા. અંબાલાલભાઇ ઉપર આવેલો મિસિસ બેસંટનો તાર— ‘For India’s Sake, try persuade owners’ yield and save Gandhi’s life.’— ઉતારી મીલમાલિકોએ પોતાની ઉદારતાથી ગાંધીજીની જીંદગી બચાવવાનો દાવો કર્યો છે. અને વિષે શું કહેવું ? એ પત્રિકા અને મજુરપક્ષની છેલ્લી પત્રિકા સાથે રાખી વાંચી જોવાની વાચકોને ભલામણ છે. ભાગ્યે જ કોઇને ખબર હશે કે એ જ દિવસે ગાંધીજીને જે અનેક તારો મળ્યા હતા તેમાં મીસ ફેરીંગ નામની એક ડેનીશ સાધ્વી તરથી આવો પણ એક તાર આવ્યો હતો: ‘Greater love knoweth no man than that he layeth down his life for the sake of his fellowmen.’