પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૧


અંદરની ઉંમરના નારાયણ સ્વામી અને નાગાપન તેમણે પોતાની જીંદગીનો ભોગ દીધો, તડકા સહન કર્યા, પણ તે પાછા હઠ્યા નહિ.

આપણે યાદ રાખવાની જરૂર છે કે એ જ લડાઇની અંદર જે સ્ત્રીઓએ કોઇ દિવસ મજુરી નહિ કરી હતી તે સ્ત્રીઓ ફેરી ફરવાને નીકળી હતી, અને જેલની અંદર ધોબણનું કામ કર્યું હતું.

આ દાખલાઓનો વિચાર કરતાં એવો કયો મજુર આપણામાં હશે કે જે પોતાની ટેકને જાળવવા ખાતર સાધારણ અગવડ સહન કરવાને તૈયાર ન હોય ?

અમે જોઇએ છીએ કે માલિકોએ સૂચનાપત્ર કાઢ્યાં છે તેમાં ક્રોધના આવેશમાં આવી જઇને કેટલીક ન છાજે એવી વાતો લખેલી છે, કેટલીક વાતોને જાણ્યે કે અજાણ્યે વધારી છે, અને કેટલીકને મરોડ આપવામાં આવ્યો છે. ક્રોધની સામે આપણાથી ક્રોધ તો થાય જ નહિ. તેમાં આવેલી ગેરમુનાસબ હકીકત સુધારવી, એ પણ ઠીક જણાતું નથી. માત્ર એટલું જ કહેવું બસ છે કે તેમાં આવેલાં લખાણોથી દોરવાઇ પણ ન જવુ, તેમ ખીજાઇ પણ ન જવું, મજુરોના સલાહકારોની ઉપર કેટલાક આરોપો મુકાયલા છે તે ખરા હશે તો તેનો જવાબ અહીંઆ આપવાથી ખોટા ઠરવાના નથી. તે ગેરવાજબી છે એમ અમે જાણીએ છીએ. અહીં જવાબ આપીને ગેરવાજબીપણું સિદ્ધ ન કરતાં અમારા ભવિષ્યના વર્તન ઉપર તેની સાબીતીનો આધાર રાખશું.

આવતી કાલે આ પ્રસંગને લગતું કંઇક વિચારશું.