પૃષ્ઠ:Anashakti Yog.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હું નથી જાણતો કે બેમાંથી શું સારું ગણાય, અમે જીતીએ એ ? કે તેઓ અમને જીતે એ ? જેમને મારીને અમે જીવવાયે ન ઈચ્છીએ તે જ ધૃતરાષ્ટ્રના પુત્રો આ સામે ઊભા છે. ૬.

દીનતાને કારણે મારો મૂળ સ્વભાવ હણાઈ ગયો છે. કર્તવ્ય વિશે હું મૂંઝવણમાં પડ્યો છું. તેથી જેમાં મારું હિત હોય તે મને નિશ્ચયપૂર્વક કહેવા તમને વિનવું છું. હું તમારો શિષ્ય છું. તમારે શરણે આવ્યો છું. મને દોરો. ૭.

આ લોકમાં ધનધાન્યસંપન્ન નિષ્કંટક રાજ્ય મળે, તેમ જ દેવલોકમાં ઈન્દ્રાસન મળે તો તેથીયે, ઈન્દ્રિયોને ચૂસી લેનારા આ મારા શોકને ટાળી શકે એવું કશું હું જોતો નથી. ૮.

संजय बोल्या :

હે રાજન ! હ્રષીકેશ ગોવિન્દને ઉપર પ્રમાણે કહી, શત્રુને અકળાવનાર તરીકે જેની નામના છે એવા ગુડાકેશ અર્જુન 'નથી લડવાનો' એમ બોલી ચૂપ થયા. ૯.

૧૨