પૃષ્ઠ:Anashakti Yog.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હે ભારત ! બંને સેના વચ્ચે આમ ઉદાસ થઈ બેઠેલા એ અર્જુનને હસતા નહીં હોય તેમ હ્રષીકેશે આ વચન કહ્યાં : ૧૦.

श्री भगवान बोल्या :

શોક ન કરવા યોગ્યનો તું શોક કરે છે, અને પંડિતાઈના બોલ બોલે છે, પણ પંડિતો તો મૂઆજીવતાની પાછળ શોક નથી કરતા. ૧૧.

કેમ કે ખરું જોતાં હું, તું કે આ રાજાઓ કોઈ કાળમાં નહોતા અથવા હવે પછી નહીં હોઈએ એવું છે જ નહીં. ૧૨.

દેહધારીને જેમ આ દેહ વિશે કૌમાર, યૌવન અને જરાની પ્રાપ્તિ થાય છે તેમ જ અન્ય દેહની પ્રાપ્તિ પણ થાય છે. તેને વિશે બુદ્ધિમાન પુરુષ અકળાતો નથી. ૧૩.

હે કૌન્તૈય ! ઈન્દ્રિયોના વિષયો જોડેના સ્પર્શો ઠંડી, ગરમી, સુખ અને દુઃખ દેનારા હોય છે. તે અનિત્ય હોય આવે છે ને અલોપ થાય છે. હે ભારત ! તેમને તું સહન કરી છૂટ. ૧૪.

૧૩